સૌરાષ્ટ્ર ઠંડીમાં ઠીંગરાણું: નલીયામાં ૭ ડિગ્રી

રાજકોટનું લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી: સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી ૨ દિવસ કોલ્ડવેવની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ દૂર થયા બાદ રાજ્યમાંઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં નલિયા ૭ ડીગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે આ ઉપરાંત રાજકોટ અને જૂનાગઢ તેમજ અમરેલીમાં પણ ઠંડીનો પારો ગગડયો છે. આગામી ૨ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં નોર્મલ કોલ્ડવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટમાં આજે વહેલી સવારે લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૨૮.૧ ડિગ્રી નોંધાયું હતું આ ઉપરાંત હવામાં ૬૬ ટકા ભેજ સાથે ૧૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભુજ સહિતના શહેરોમાં પારો ૧૫ ડિગ્રી કરતા નીચે ગગડયો છે. આગામી ૫ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૦ થી ૧૫ ડિગ્રી સુધી તાપમાન રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ઠંડીમાં વહેલી સવારે લોકો ચાલતા નીકળતા જોવા મળ્યા હતા.રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધશે અને લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

વધુ પાંચ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા અને એક ડ્રાફ્ટ બનતા વાતાવરણમાં પલટો આવશે. જોકે, કમોસમી વરસાદની કોઈ આગાહી નથી. સક્રિય બનેલી સિસ્ટમની ગુજરાત પર ખાસ અસર નહીં જોવા મળે.

શિયાળાના પ્રારંભે જ લઘુતમ તાપમાનનો પારો એકી સાથે ગગળતા લોકો વહેલીસવારે ફુલગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોકમાં નજરે પડી રહ્યા છે.