બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે: શનિવારથી રાહત

રાજ્યના 7 શહેરોનું તાપમાન સિંગલ ડિઝીટમાં: 5.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું: રાજકોટનું 9, અમરેલીનું 9.6, ભુજનું 9.8, ડીસાનું 9 ડિગ્રી તાપમાન

કોલ્ડ વેવની અસરથી રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમા ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે, ત્યારબાદ ક્રમશ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ઠંડા પવનની અસર રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 5થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજકોટનું બુધવારે સવારે 9 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. આ સાથે જ રાજકોટમાં ફરી એક વખત સિંગલ ડિજિટમાં તાપમાન પહોંચ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ 24 કલાક એટલે કે આજથી લઈને કાલે ગુરુવારે સવાર સુધી ઠંડી રહેશે. બપોરબાદ ઠંડી ક્રમશ: ઘટશે. શનિવાર સુધીમાં 12થી 15 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે.

હવામાન ખાતાના જણાવ્યાનુસાર બુધવારે લઘુતમ તાપમાન 9 ડિગ્રી રહ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ 75 ટકા હતું અને પવનની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. જ્યારે મહત્તમ તાપમાન 10.8 ડિગ્રી રહ્યું હતું. બપોરના સમયે પવનની ઝડપ 16 કિલોમીટર રહેતા ઠંડક વધારે અનુભવાઇ હતી. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર સંક્રાંતના દિવસે સવારે પવનની ઝડપ ઓછી હશે અને બપોરબાદ પવનની ઝડપ વધારે રહેશે. બુધવારે લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચતા આખો દિવસ ઠંડી રહી હતી. સવારે ઠંડીને કારણે રોડ પર ટ્રાફિક પણ ઓછો જોવા મળ્યો હતો.

બીજીબાજુ આજે શહેરના 7 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે એટલે કે સિંગલ ડીઝીટમાં રહેવા પામ્યું હતું. નલિયા 5.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ ઉપરાંત અમદાવાદનું 10, અમરેલીનું 9.6, બરોડાનું 9.4, ડીસાનું 9 અને રાજકોટનું પણ 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.