સૌરાષ્ટ્રમાં શીત લહેર, નલિયા ઠંડીમાં ઠીંગરાયું !!

રાજ્યના ૯ શહેરોનું તાપમાન ૧૦ ડિગ્રી કરતા નીચે નોંધાયું: આગામી દિવસોમાં પારો હજુ વધુ પટકાય તેવી હવામાન વિભાગની આગાહી

નલિયાનું ૨.૭ અને રાજકોટનું લઘુતમ તાપમાન ૮.૩ ડિગ્રીએ પહોંચ્યું: ૧૮ કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારને સૌરાષ્ટ્રમાં શીતલહેર જામી છે. સૌરાષ્ટ્ર સહિત રાજયમાં ત્રણ દિવસ ગાત્રો થિજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગે રાજયમાં ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. કચ્છના નલિયામાં તો સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નિલાય રહ્યું છે જ્યાં તાપમાન ૨.૭ ડિગ્રી નોંધાયું છે.રાજયમાં કુલ ૯ શહેરોનું તાપમાન ૧૦ ડિગ્રી કરતા નીચું નોંધાયું છે. ૩૦ તારીખ સુધી વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે.૩૦ તારીખ સુધી તાપમાનનો પારો ૭ થી ૮ ડિગ્રી સુધી નીચો જવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે ૩૧મી તારીખથી તાપમાનમાં નજીવો વધારો થશે.

રાજકોટનું લઘુતમ તાપમાન ૮.૩ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૨૭.૩ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજ ૪૯ ટકા અને ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. નલિયામાં તો લઘુતમ તાપમાન ૨.૭ ડિગ્રી જેટલું થતા જનજીવન પર વ્યાપક અસર પહોચી છે અને આગામી દિવસોમા નલિયામાં તાપમાનનો પારો ૦ ડીગ્રીએ પહોંચવાની પણ શકયતા છે. આબુમાં માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ૨ ડીગ્રીએ પહોંચ્યું છે સતત ઠંડીથી જનજીવન પર માઠી અસર પહોંચી છે. ઠંડી વચ્ચે થર્ટી ફસ્ટ મનાવવા પર્યટકોનો ઘસારો પણ આબુમાં જોવા મળી રહ્યો છે.

ત્યારે જમ્મુ કશ્મીરમાં બરફવર્ષા થતા શીતલહેરની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જમ્મુ-કશ્મીરમાં ભારે હિમવર્ષા થતા તાપમાનનો પાર શૂન્યથી ૭.૨ ડિગ્રી સુધી ગગડ્યો છે. ગુલમર્ગ, શ્રીનગર, પહલગામનું તાપમાન માઈનસ ૫.૨ ડિગ્રીથી ૭.૨ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.હિમાચલ પ્રદેશના કિલોંગમાં ઠંડીનો પારો માઈનસ ૬.૭ ડિગ્રી પર પહોંચ્યો છે. હિમાચલ પ્રદેશના મનાલી અને શિમલામાં ભારે હિમવર્ષા થતા કેટલાક રસ્તાઓ પર બંધ રહ્યા.

શું રાજકોટ ઠંડીનો રેકોર્ડ તોડશે?

ચાલુ વર્ષે સારો વરસાદ પણ થયો છે અને બોકાસો બોલાવતી ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે રાજકોટમાં જાન્યુઆરી માસમાં સિંગલ ડિજિટમાં જ તાપમાન હોય છે. ત્યારે ગત ૧ જાન્યુઆરીએ ૨૦૨૦એ ૮.૭ અને ૨ જાન્યુઆરીએ ૯.૩, ૩ જાન્યુઆરીએ ૯.૭, ૯ જાન્યુઆરીએ ૯ ડિગ્રી, અને ૧૦મીએ ૯.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારે આ વર્ષે ડિસેમ્બરમાં જ ઠંડીનો પારો સિંગલ ડીઝીટમાં પહોંચ્યો છે આજે લઘુતમ તાપમાન ૮.૩ ડિગ્રી નોંધાયું હતું. જે સિઝનનું સૌથી નીચું તાપમાન છે અને હવે જાન્યુઆરીમાં રાજકોટ ઠંડીનો રેકોર્ડ તોડશે કે કેમ?