Abtak Media Google News

કાલે પણ કાતિલ ઠંડીની આગાહી: પતંગ રસિયાઓ આ વખતે નિરાશ નહીં થાય, 11 કિમિની ઝડપે પવન ફૂંકાશે

રાજ્યના 7 શહેરોનું તાપમાન 10 ડિગ્રી કરતા નીચે નોંધાયું: નલિયાનું 4.6 અને જૂનાગઢનું 7.5 ડિગ્રી તાપમાન

રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વખતની ઉત્તરાયણમાં ઠંડીને કારણે પતંગરસિયાઓની સવારના સમયમાં મજા બગડી શકે છે. 14મી જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિયાઓની મજા બગડશે નહીં. આ વખતે 14 જાન્યુઆરીએ 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો કે બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છ કાતિલ ઠંડીમાં ઠુઠવાયું છે આજે રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી 8.5 ડિગ્રી રહેવા પામી હતી જ્યારે જૂનાગઢમાં પણ 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આજે રાજ્યના 7 શહેરોનું તાપમાન 10 ડિગ્રી કરતા પણ નીચે રહેવા પામ્યું હતું જેમાં અમદાવાદનું 9.7, અમરેલીનું 9.8, બરોડાનું 9.6, ડીસાનું 8.4, નલિયાનું 4.6, જુનાગઢનું 7.5 અને રાજકોટનું 8.5 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું.

હજુ બે દિવસ ઠંડીનું ઝોર યથાવત રહેશે. ઠંડા પવનની અસર રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 5થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 4.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે, જે આવતીકાલે 13 જાન્યુઆરી સુધી રહેશે. ઉપરાંત આગામી તારીખ 18 , 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.