Abtak Media Google News

અબતક, નવીદિલ્હી :

કેન્દ્ર સરકારે મિલકતો લિઝ ઉપર આપી પૈસા ભેગા કરવાની ગ્રામ પંચાયતોને વિચિત્ર સલાહ આપી છે. જો આવું કરવામાં આવે તો તેના માઠા પરિણામો પણ આવી શકે છે. જેથી વિરોધ પક્ષોએ આનો વિરોધ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મોદી સરકારે એસેટ મોનેટાઈઝેશન દ્વારા 6 લાખ કરોડ રૂપિયા ઉભા કરવાની બનાવેલી યોજના સામે વિરોધ પક્ષો દેકારો મચાવી રહ્યા છે. ત્યાં કેન્દ્ર સરકારે ગ્રામીણ સ્તરે પણ ‘એસેટ મોનેટાઈઝેશન’ કરવા સૂચના આપી છે. કેન્દ્રના પંચાયતી રાજ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે કે, ગ્રામ સભાઓ પણ આવકના પોતાના સ્ત્રોત ઉભા કરે.

પંચાયતી રાજ સેક્રેટરી સુનિલ કુમારે મોકલેલી એડવાઈઝરીમાં આવક ઉભી કરાવ ક્યા મહિનામાં શું કરવું તેનું કેલેન્ડર મોકલાયું છે. સપ્ટેમ્બર મહિનાના કેલેન્ડરમાં ‘એસેટ મોનેટાઈઝેશન’ કરીને આવક ઉભી કરવાનો ટાર્ગેટ અપાયો છે. આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, કોમન પ્રોપર્ટી એસેટ લીઝ, યુટિલિટી ચાર્જ, સર્વિસ ચાર્જ, સીએસઆર વગેરે માધ્યમો દ્વારા પણ આવક વધારવાનું કહેવાયું છે.

વિશ્લેષકોનું માનવું છે કે, આ એડવાઈઝરી દ્વારા સરકાર પોતાની જવાબદારીઓથી હાથ ખંખેરવાની દિશામાં આગળ વધી રહી છે. ગ્રામીણ વિસ્તારોના વિકાસની જવાબદારી ઉઠાવવાના બદલે સરકાર ગ્રામ સભા અને પંચાયત પર આવક ઉભી કરવાની જવાબદારી સુધ્ધાં ઢોળી દેવાનો તખ્તો ઘડી રહી છે.

ગ્રામ પંચાયતોની મોટાભાગની જમીન અગાઉથી જ વગર ભાડાએ બીજાના કબ્જામાં છે તેનું શું ?

કેન્દ્ર સરકારે ગ્રામ પંચાયતોને તેની જમીન સહિતની મિલકતો લિઝ ઉપર આપવાની સૂચના આપી છે. પણ વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતની મોટાભાગની જમીનો વગર ભાડાએ બીજાના કબ્જામાં છે. તેનું શું થશે? તેવો સો મણનો સવાલ ઉત્પન્ન થયો છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ મિલકત લિઝ ઉપર દેવામાં પણ જોખમ રહેલું છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ભાડા ઉપર મિલકત આપ્યા બાદ તેને અમુક સમય બાદ ખાલી કરાવવી શક્ય બનતી નથી. તેવામાં લિઝ ઉપર લાંબો સમય મિલકત ઉપર કબજો રહ્યા બાદ શુ તે ખાલી થઈ શકશે તેના ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.

સરપંચ જો પૈસાના ભૂખ્યા હશે તો ગામની હાલત બદતર થઈ જશે

ગામની મિલકતોના મુદ્રીકરણની અમલવારી બાદ જે ગામના સરપંચોની નીતિ ખોરી ટોપરા જેવી હશે અને પૈસાની લાલચ હશે તો તે ગામની હાલત બદતર થઈ જશે તેમાં કોઈ મત નથી. વર્તમાન સમયમાં સરકારના અનેક સારા દાવા વચ્ચે પણ હકીકત એ છે કે અનેક ગ્રાન્ટનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચતો નથી. તેવામાં મિલકત લિઝ ઉપર આપવા સબંધીત નિર્ણયો જો સરપંચને આપવામાં આવશે તો અમુક લાલચુ સરપંચ ગામની સ્થિતિ બગાડી નાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.