Abtak Media Google News

“નો વન લેફ્ટ બિહાઇન્ડ”

દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા અને સુગમતા અર્થે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ: દિવ્યાંગજનોને પી.ડબ્લ્યુ.ડી. એપ ડાઉનલોડ કરી મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ

દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા અને સુવિધાઓ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મીટીંગ યોજાયેલ હતી.

“નો વન લેફ્ટ બિહાઇન્ડ” ક્ધસેપટ સાથે કલેકટરએ ભારપૂર્વક અપીલ કરતા જણાવ્યું  કે,  દરેક દિવ્યાંગ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવે અને ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સહભાગીદારી નોંધાવે. આગામી તા.12-8-2022 થી તા. 11-9-2022 દરમિયાન ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજનાર છે. આ કાર્યક્રમમાં જે દિવ્યાંગજનોને તા. 1/10/2022 ના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય અને તેઓના નામ મતદાર યાદીમાં નોંધાયેલા ન હોય તેવા મતદાર યાદીમાં પોતાનું નામ અવશ્ય નોંધાવે તેવી કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.રાજકોટ જિલ્લામાં હાલ 15,345 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. રાજકોટ જિલ્લાની તમામ સરકારી તથા ખાનગી સ્કૂલમાં દિવ્યાંગજનોને તકલીફ ન પડે તે ધ્યાને રાખી યોગ્ય રેમ્પ અને દિવ્યાંગજનો માટે શૌચાલયની વ્યવસ્થા થાય તે સુનિશ્ચિત કરવા પણ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. દિવ્યાંગજનો પી. ડબ્લ્યુ. ડી. એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો મહત્ત્મ ઉપયોગ કરે તેવો ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.

દિવ્યાંગ મતદારો માટે આયોજિત મિટિંગની શરૂઆતમા મામલતદાર એમ ડી દવેએ સૌને આવકારી ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે માહિતી આપી હતી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી,  તથા વિકલાંગ સંસ્થાઓ વતી  યુનિક વિકલાંગ ટ્રસ્ટના શૈલેષભાઇ પંડ્યા અને પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ પૂજાબેન હાજર રહ્યા હતા.

જિલ્લા કક્ષાના બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક, હવે તાલુકાઓમાં પણ વરણી કરાશે

દિવ્યાંગ મતદારોને પ્રેરણા પુરી પાડવા માટે દિવ્યાંગ મતદારોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજકોટ જિલ્લા કક્ષાએથી શૈલેષભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ દિવ્યાંગ મતદારોને મદદરૂપ થવા તાલુકા બ્રાન્ડ એમ્બેસેડરની નિમણુક ટૂંક સમયમાં કરવામાં આવનાર છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.