Abtak Media Google News

કંટ્રોલ રૂમને વિશેષ નંબર થકી અકસ્માતની માહિતી મળી રહે તેવી ગોઠવણી ગોઠવવા પણ સુચન

ચોમાસા બાદ જિલ્લામાં સ્ટેટ હાઇવે તથા નેશનલ હાઇવે સહિત જિલ્લાના આંતરીક રસ્તાઓની પરિસ્થિતિ  અંગે તથા અકસ્માત ઝોન સુનિશ્ચિત કરવા તથા વાહનોના અકસ્માતોના નિવારણ અર્થે રાજકોટ જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની સમિક્ષા બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ બેઠકમાં કલેકટર દ્વારા જિલ્લાના સ્ટેટ હાઇવે, નેશનલ હાઇવે તથા આંતરિક રસ્તાઓની હાલની પરિસ્થતિ સાથે અકસ્માત ઝેાન તરીકે સુનિશ્ચિત કરાયેલ બ્લેક સ્પોટ સ્થળોની સમીક્ષા કરાઇ હતી.

આ બેઠકમાં માર્ગ અને મકાન, આર.ટી.ઓ. તથા રાજય અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારી/કર્મચારી સહિત સંબંધીત લાઇન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા આ તમામ બ્લેક સ્પોટની રૂબરૂ મુલાકાત લઇને જરુરી મરામત તથા અન્ય આનુષંગીક કાર્યો  જેવા કે બિન અધિકૃત દબાણો, અન્ડરપાસ કે ઓવરબ્રીજ પરના ખાડાઓ, અકસ્માત ઝોન પાસે ધીમે ચલાવોના સાઇનબોર્ડ, અકસ્માત ઝોન સહિતના સાઇનબોર્ડ લગાવવા, નાલા પર ભયજનક સાઇન દર્શાવતા સાઇનબોર્ડ, તુટેલા કે બિન અધિકૃત રીતે તોડવામાં આવેલા રોડ ડીવાઇડરોને બંધ કરાવવા અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો સામે ફરીયાદ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવી જેવી બાબતો વિષે વિસ્તૃત સમીક્ષા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કરાઇ હતી.

કલેકટર અરૂણ મહેશ બાબુએ તાલુકા કક્ષાએ અકસ્માત સર્જાય તેવા સ્થળોએ રૂબરૂ મુલાકાત લઇને આ સ્થળોએ અકસ્માત નિવારવા જરૂરી કામગીરીનું આકલન કરી સંબંધીત વિભાગને જાણ કરવા તથા રોડ, બ્રીજ, નાલા કે અન્ડરપાસની ત્વીરત મરામત માટે કાર્યવાહી કરવા સંબંધિતોને ભારપૂર્વક જણાવ્યું હતું.     એક વિશેષ સંપર્ક નંબર દ્વારા કંટ્રોલરૂમને માહિતી મળે અને રસ્તા પરની અડચણો દુર કરી અકસ્માત નિવારવા ખાસ વ્યવસ્થા કરવા કલેકટરે સુચન કર્યુ હતું. ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં રોડ સેફટી અને સલામતી માટેના વિશેષ તાલીમી વર્કશોપ યોજવા પર જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીનાએ ભાર મૂકયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.