રાજકોટ: DDOની બોલીંગ ઉપર કલેકટરે કરી બેટિંગ, એસપીએ ફિલ્ડિંગ સંભાળી

  • રમતોત્સવમાં અધિકારીઓ ખીલ્યા, નેશનલ ખેલાડીઓને પણ આપી બરાબરની ટક્કર
  • નેશનલ ગેમ્સનો માહોલ જમાવવા અધિકારીઓ ઉતર્યા મેદાને: અધિકારીઓએ ક્રિકેટ, બેડમિન્ટન અને ફૂટબોલ રમી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો 

રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીના રમતોત્સવનો જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ પ્રારંભ કરાવ્યો હતો. આ તકે કલેકટર સાથે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર પણ ખેલાડી બની ગયા હતા અને સ્ફૂર્તિ સાથે ટેબલ ટેનિસ તથા વોલીબોલની મેચમાં ઉત્સાહ સાથે રમ્યા હતા.

આ અધિકારીઓએ નેશનલ પ્લેયર્સને પણ બરાબરની ટક્કર આપી હતી. બાદમાં ક્રિકેટ મેદાનમાં જિલ્લા વિકાસ અધિકારીની બોલિંગમાં કલેકટરએ ધૂઆંધાર બેટિંગ કરી હતી. જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષકે ફિલ્ડીંગનો મોરચો સંભાળ્યો હતો. એ પછી જિલ્લા વિકાસ અધિકારીએ બેટિંગ સાંભળી ત્યારે કલેકટરએ બોલિંગ કરી હતી.  તમામ ગેમ્સમાં ઉત્સાહપૂર્ણ ભાગ લઈને કલેકટર તથા અધિકારીઓએ નેશનલ ગેમ્સના સ્પીરિટને રજૂ કર્યો હતો. આ સમયે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજા, સ્પોર્ટ્સ હેડ રાજેશ પટેલ, ડીન રામદેવસિંહ ઝાલા,  સ્પોર્ટ્સ ફેકલ્ટી નિશાંત કોઠારી, ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર રઇસખાન પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રજાના કામોનો “ગોલ”

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ કે જેઓ આઈએએસ અધિકારી છે. તેઓ એક અધિકારી હોવાની સાથે એક સ્પોર્ટમેન છે. તેઓને ઘોડેસવારીનો ભારે શોખ ધરાવે છે. આ ઉપરાંત તેઓ ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન જેવી રમતોમાં પણ નિપુણતા ધરાવે છે. પ્રજાના કામના ગોલ તો તેઓ હંમેશા ફટકારતા રહે છે. પણ રમતોત્સવ વેળાએ તેઓએ ફૂટબોલ ગ્રાઉન્ડ પર સિનિયર ખેલાડીની જેમ જ ગોલ ફટકારીને સૌને અચંબિત કર્યા હતા.