Abtak Media Google News

પ્રાંત અને મામલતદારે કરેલા ત્રણ વિવાદિત હુકમોને રિવિઝનમાં લીધા બાદ જિલ્લા કલેકટરનો હુકમ

અબતક, રાજકોટ : અમરગઢ ભીચરીની લાલપરી તળાવ પાસે આવેલી 26 એકરથી વધુ જમીન સરકારી ઠેરવવાના પ્રાંત અને મામલતદારે કરેલા વિવાદિત હુકમોને રિવિઝનમાં લીધા બાદ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આજે આ જમીન ખાલસા કરવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

અમરગઢ (ભીચરી) ગામની સર્વે નં. 13 અને 5/2ની અંદાજે 26 એકરથી વધુ સરકારી જમીન પૂર્વ ડેપ્યુટી કલેકટર અને પૂર્વ મામલતદારે ખાનગી ઠેરવી દીધી હતી. જે તે વખતે આ અંગે ચોંકાવનારી ફરિયાદ રેવન્યુ ઈન્સ્પેકશન કમીટી (આરઆઈસી) સમક્ષ ખાનગી આસામીએ કર્યા બાદ આ સંદર્ભે આરઆઈસીની ટીમ રાજકોટ કલેકટર કચેરીમાં ત્રાટકી હતી અને તેમાં આ ફરિયાદમાં તથ્ય જણાતા તમામ કેસ તત્કાલીન કલેકટર રેમ્યા મોહન દ્વારા રીવીઝનમાં લેવામાં આવ્યા હતા. દરમિયાનમાં આ વિવાદાસ્પદ જમીનનું વેચાણ, હસ્તાંક્ષર, બક્ષીસ, ગીરો જેવા કોઈ પ્રકારના વ્યવહાર થઈ નહીં શકે તેવી મતલબનો મનાઈ હુંકમ એસએસઆરડી અને જિલ્લા કલેકટર તરફથી કરવામાં આવ્યો હતો.

આ જમીન અંગેની તપાસમાં જાણવા મળ્યું હતું કે  અરજદારે ડેપ્યુટી કલેકટર સમક્ષ અરજી કરી હતી અને આ અંગેનો રીપોર્ટ મામલતદારને સોંપવા જણાવાયું હતું. મામલતદારે આ કામગીરી સર્કલ ઓફિસરને સોંપી હતી અને સર્કલ ઓફિસરે પોતાના રીપોર્ટમાં આ જમીન સરકારી હોવાનું જણાવી દબાણ સંદર્ભે કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. પરંતુ તે વખતના મામલતદારે 1969ના પરિપત્રનું ખોટું અર્થઘટન કરી દબાણ કેસમાં કાર્યવાહી કરવાના બદલે જમીન ખાનગી ઠેરવી 7/12 અને રેવન્યુ રેકર્ડમાં તેના નામે ચડાવી પણ દીધી.

આ કેસ રેમ્યા મોહને રિવિઝનમાં લીધો હતો. જે કેસનો ચુકાદો જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આપ્યો છે. કલેકટર દ્વારા આ જમીનને સરકારી ઠેરવવામાં આવી છે. જેથી હવે આ જમીન શ્રી સરકાર થઈ છે.

સરકારી જમીનને પોતાની ગણાવતા ભુમાફિયા સામે લેન્ડગ્રેબિંગનો ગાળિયો કસાઈ તેવી શકયતા

વર્ષો પૂર્વે સરકારી જમીનને ડે. કલેકટર પાસે ખાનગી ઠેરવવા પ્રેરીને આવો હુકમ કરી આસામીઓએ સરકારી જમીનને ખાનગી ઠેરવવાનું કાવતરૂ ઘડ્યું હતું. હવે આ જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આ આસામીઓ સામે તંત્ર લેન્ડગ્રેબિંગનો ગાળીયો કસવાની તૈયારીમાં છે. જેથી ટૂંક સમયમાં આ અંગે સતાવાર જાહેરાત કરવામાં આવશે.

સરકારી યોજના તથા વહીવટી કામગીરીમાં રાજકોટ જિલ્લો રાજ્યમાં ત્રીજા નંબરે ચમક્યો

પ્રથમ નંબરે દાહોદ અને બીજા નંબરે છોટા ઉદેપુર

સરકારી યોજના તથા વહીવટી કામગીરીમાં રાજકોટ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે ચમક્યો છે. રાજ્યમાં પ્રથમ ક્રમે દાહોદ અને બીજા નંબરે છોટા ઉદેપુર જિલ્લો રહ્યો છે.

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે રાજ્ય સરકારે દરેક જિલ્લા માટે 512 ટાર્ગેટ ઇન્ડિકેટર્સ જાહેર કર્યા હતા. જિલ્લાના તમામ વિભાગોની કામગીરીને ધ્યાને લઈ તથા તમામ ટાર્ગેટ ઇન્ડીકેટર તપાસી જિલ્લાઓને ક્રમ આપવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લો ત્રીજા નંબરે આવ્યો છે. પ્રથમ નંબરે દાહોદ જિલ્લો આવ્યો છે. જ્યારે બીજા નંબરે છોટા ઉદેપુર જિલ્લો આવ્યો છે.

વધુમાં જિલ્લા કલેકટરે કહ્યું કે આમાં રેન્કિંગ તમામ વિભાગોની કામગીરીને ધ્યાને લઈને અપાઈ છે. રાજકોટ જિલ્લામાં તમામ વિભાગોની કામગીરી જોઈને સરકાર દ્વારા ત્રીજો રેન્ક આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં અશાંતધારા હેઠળ પણ સારી કામગીરી થઈ છે.

અત્યાર સુધીમાં અંદાજે 1 હજારથી વધુ અરજીઓનો નિકાસ કરવામાં આવ્યો છે. વધૂમાં તેઓએ જણાવ્યું કે અશાંતધારાની કામગીરીને તેજ બનાવવા માટે હવે પ્રાંત અધિકારીને પાવર આપવાનું વિચારી રહ્યા છીએ. સુરત અને અમદાવાદ જિલ્લામાં અશાંતધારાની કામગીરીના પાવર પ્રાંતને અપાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.