મોરબી જિલ્લામાં રાત્રી કરફયુ અંગે જાહેરનામું બહાર પાડતા કલેકટર

કોરોના સંક્રમણને ધ્યાને લઇ હાલની પરિસ્થિતિને અનુસંધાને રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા સરકારની ગાઈડલાઈનને અનુસરવા મોરબી શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા તા.07 એપ્રિલ થી તા.30 એપ્રિલ સુધી દરરોજ રાત્રીના 8:00 કલાક થી સવારના 06:00 કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહે તે અંગેનું જાહેરનામું પાડ્યું છે. જાહેરનામા અનુસાર તા.10 એપ્રિલથી લગ્ન / સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 100 થી વધુ વ્યક્તીઓ એકઠા કરી શકશે નહીં. આ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે.

મોરબી શહેર વિસ્તારમાં કરફ્યુના સમયના કલાકો દરમિયાન લગ્ન સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહીં. મોરબી માં તા.07/04/2021 થી તા.30/04/2021 સુધી રાજકીય, સામાજીક અને અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મોરબીમાં કોઈ પણ ગેધરિંગમાં 50 થી વધુ વ્યક્તીઓ એકત્ર થઈ શકશે નહીં , આ ગેધરિંગ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે. મોરબી જિલ્લાની તમામ ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ (એ.પી.એમ.સી.) પણ કોવિડ-19 અંગેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

તા.30/04/2021 સુધી તમામ કચેરીઓ તમામ શનિવાર-રવિવાર બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે. કેન્દ્રીય મંત્રાલયો/ રાજ્ય સરકારના મંત્રાલયોના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાનું અમલીકરણ તમામે કરવાનું રહેશે તેમ જણાવાયું છે.