રાજકોટ: ગામતળના દબાણ અંગેની મળેલી અરજીઓ ગંભીરતાથી ધ્યાને લેવાશે

દબાણ અંગેની નામ- સરનામાં સાથે આવેલી અરજીઓ એકત્ર કરવા સ્ટાફને આદેશ : અરજીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવા કવાયત

અબતક, રાજકોટ : રાજકોટ શહેરમાં તો દબાણ ઉપર તંત્ર ચાંપતી નજર રાખી સમયાંતરે ડિમોલીશન સાથે દબાનકર્તાઓ સામે આકરી કાર્યવાહી કરી રહ્યું છે. પણ ગામતળના દબાણનો પ્રશ્ન ઘર કરી ગયો છે. અત્યાર સુધી ગામતળના દબાણને તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવતું હતું. પણ નવા જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુ હોદા ઉપર આરૂઢ થતા ગ્રામજનોમાં આશા જાગી હતી. સામે કલેકટર દ્વારા પણ ગામતળના દબાણો સામે કાર્યવાહી કરવાના સંકેતો આપી દેવામાં આવ્યા છે.

ગામતળના તેમજ ગૌચરમાં દબાણ તેમજ અન્ય જમીનોમાં દબાણ કરતા દબાણકારો સામે કલેકટર તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ઘણા સમયથી રાજકોટ જિલ્લાના ગામડાઓ અને તાલુકાઓમાં ગૌચરની જમીન તથા અન્ય જમીનો ઉપર ગેરકાયદે બાંધકામ ખડકી દઇ ભુમાફિયાઓ પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા હતા. પણ હવે આવા દબાણ કરતા તત્વો સામે કલેકટર તંત્રએ લાલ આંખ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે દબાણકર્તાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા કલેકટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે કલેકટર તંત્રને અરજદારના નામ સરનામાં વાળી દબાણ અંગેની જેટલી અરજીઓ મળે તેને ધ્યાને લેવામાં આવશે. તેને ધ્યાને લઈને કાર્યવાહી પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના અત્યાર સુધીમાં ગામતળના દબાણના પ્રશ્નો અંગે કોઈ નિર્ણયો લેવામાં આવતા ન હતા. સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં તંત્ર દબાણને ગંભીરતાથી ધ્યાને લેતું હતું. જેના કારણે શહેરી વિસ્તારોમાં તેમજ શહેરની ભાગોળના વિસ્તારમાં ડીમોલેશન પણ થતા હતા. પણ હવે જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ કલેકટર તંત્ર દ્વારા ગામતળના દબાણના પ્રશ્નોને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે. હવે નામ સરનામાં સાથે આવતી અરજીઓને ધ્યાને લઈને કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલે હવે ગામતળના દબાણો ઉપર પણ ડિમોલિશન થાય તો નવાઈ નહિ.