Abtak Media Google News

કલેકટર અરૂણ મહેશ બાબુ યુજીવીસીએલની અને અધિક કલેકટર પોરબંદર જિલ્લા પંચાયતની કમાન સંભાળશે

અધિક કલેક્ટર તરીકે નવા અધિકારી ન મુકાય ત્યાં સુધી ઇન્ચાર્જથી કામ ચલાવાશે

રાજકોટ જિલ્લા કલેકટર અને અધિક કલેકટરની બદલીનો ઓર્ડર થયા બાદ હવે તેઓ સંભવત: સોમવારે ચાર્જ છોડવાના છે. ચાર્જ છોડ્યા બાદ બન્ને આઇએએસ નવી જગ્યાએ ચાર્જ સંભાળી લેવાના છે.

રાજ્યના 109 સનદી અધિકારીઓની ગઈકાલે બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની યુજીવીસીએલના એમડી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે અધિક કલેકટર કેતન ઠક્કરની પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. આ બન્ને અધિકારીઓ સોમવારે ચાર્જ છોડવાના હોવાની માહિતી મળી છે.

બાદમાં બન્ને નવી જગ્યાએ મંગળવાર સુધીમાં ચાર્જ સંભાળી લેશે. સામે યુજીવીસીએલના એમડી પ્રભવ જોશીની રાજકોટ જિલ્લા કલેકટર તરીકે બદલી થઈ છે. તેઓ મંગળવાર આસપાસ ચાર્જ સંભાળે તેવું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અધિક કલેકટર કેતન ઠક્કરને પોરબંદરના ડીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે એટલે હવે રાજકોટ જિલ્લા અધિક કલેકટરની જગ્યા ખાલી થઈ ગઈ છે.

જ્યાં સુધી નવા અધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ નિમિને કામ ચલાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે નવા એડિશનલ કલેક્ટરનું પોસ્ટિંગ થતા અંદાજે 10થી 15 દિવસ જેટલો સમય થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.