Abtak Media Google News

કચેરી અંદર પ્રવેશતા સ્ટાફ અને અરજદારોનું થર્મલ સ્ક્રીનીંગ : ટેમ્પરેચર વધુ હોય તેવા લોકોની પ્રવેશબંધી

કલેકટર કચેરીની અંદર પ્રવેશતા તમામ સ્ટાફ અને અરજદારોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. જેમાં ૮ અરજદારોનું બોડી ટેમ્પરેચર ૪૦થી ઉપર જતા તેમને તુરંત હોસ્પિટલ જવાની સૂચના આપવામાં આવી હતી. આમ ટેમ્પરેચર વધુ હોય તેવા લોકોને કચેરીની અંદર પ્રવેશતા રોકવામાં આવે છે અને જરૂર પડ્યે હોસ્પિટલે જવાની સૂચના પણ આપવામાં આવે છે.

હાલ કોરોનાની મહામારી વચ્ચે કલેકટર કચેરી સંપૂર્ણ રીતે ધમધમતી થઈ છે. રૂટિન કામો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેથી સામાન્ય અરજદારો પણ કચેરીમાં આવતા થયા છે. આ દરમિયાન કચેરીમાં કોવિડ-૧૯ની તમામ ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે. કચેરીની બહાર સુરક્ષા જવાનોનો ચુસ્ત  બંદોબસ્ત છેલ્લા ઘણા સમયથી રાખવામાં આવ્યો છે. કોઈ પણ રજુઆત વખતે લોકોના ટોળા ભેગા ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વધુમાં કચેરીની  અંદર પ્રવેશતા લોકોનું ફરજીયાત પણે થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે.

સામાન્ય રીતે તડકામાંથી આવતા લોકોનું બોડી ટેમ્પરેચર વધુ આવતું હોય છે. માટે આવા લોકોનું થોડી વાર બાદ ફરી થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. અને ત્યારબાદ જો ટેમ્પરેચર નીચું આવે પછી તેઓને પ્રવેશ આપવામાં આવે છે. ગઈકાલે કલેકટર કચેરીમાં ૮ લોકોનું બોડી ટેમ્પરેચર ૪૦થી ઉપર આવ્યું હતું. આ લોકોનું બેથી ત્રણ વખત થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હોવા છતાં ટેમ્પરેચરમાં કોઈ ઘટાડો ન નોંધાતા તેઓને હોસ્પિટલમાં જવાની સૂચના આપીને કલેકટર કચેરીમાં પ્રવેશ આપવા દેવામાં ન આવ્યો હતો.

૩ મહિનાની બ્રેક બાદ હવે ૧૭મીએ અપીલ કેસોનું બોર્ડ મળે તેવી શકયતા

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થળે યોજાતું અપીલ કેસનું બોર્ડ લોકડાઉનના કારણે છેલ્લા ૩ મહિનાથી બંધ હતું. હવે છૂટછાટ મળતા ક્લેકટર કચેરીમાં રાબેતા મુજબની તમામ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જે અંગે જિલ્લા કલેકટરે તાજેતરમાં બોર્ડ શરૂ કરી દેવાની જાહેરાત પણ કરી હતી. લોકડાઉન પછીનું પ્રથમ બોર્ડ આગામી તા. ૧૭ના રોજ મળે તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ છેલ્લું બોર્ડ તા.૧૧ માર્ચના રોજ મળ્યું હતું.આમ ત્રણ મહિનાની બ્રેક બાદ હવે ફરી બોર્ડ મળવાનું છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે મર્યાદિત કેસો જ લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.