જીવનમાં ધ્યાનને જોડી લેવાથી એક સકારાત્મક સામૂહિકતાનો લાભ મળે છે: સદ્ગુરૂ શિવકૃપાનંદજી સ્વામી

સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા પ.પૂ.સદ્ગુરૂ શિવકૃપાનંદજી સ્વામીના સાનિધ્યમાં 72 કલાકનો ઓનલાઈન ‘ગુરૂતત્વ’ ચૈતન્ય મહોત્સવ યોજાયો

દેશ-વિદેશના એક લાખથી વધુ ભાવિકોએ લાભ લીધો

કોરોનાકાળમાં ઘણા બધા લોકો માટે આજે કોરોનાની સાથે સાથે ડિપ્રેશનની પણ સમસ્યા એક સામાન્ય વાત બની રહી છે, ત્યારે આવા સમયમાં લોકો ડિપ્રેશનથી મુક્ત થઈ આનંદમય અને આધ્યાત્મિક જીવન તરફ પ્રેરાય તેવા હેતુથીસમર્પણ ધ્યાનયોગના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ગત તા.7,8,9 નવેમ્બર, 2020 દરમિયાન ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી 72 કલાક ઓનલાઈન ચૈતન્ય મહોત્સવ વૈશ્વિક મંચ ‘ગુરુતત્વ’ અંતર્ગત શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેનો દેશવિદેશના એક લાખથી પણ વધારે લોકોએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાવનગરનાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ નાગપુરના ડીઆઈજી સંદિપ પાટીલના શુભકામના સંદેશ અને ઈન્ટરવ્યુ વીડિયો મળ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ વિવિધ ઉપાસના પદ્ધતિના સંતોનાં કરકમળથી થયો હતો. આ કાર્યક્રમના ત્રણેય દિવસ દરમિયાન વહેલી સવારે પૂજ્ય સ્વામીજીનાં સાંનિધ્યમાં ગહન ધ્યાન, પૂજ્ય સ્વામીજી અને ગુરુમાનાં બહુમૂલ્ય પ્રવચનો, આધ્યાત્મિક પ્રશ્નોત્તરી, યોગાસન સેશન, ગુરુકથા, ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાયરો, ઈન્ટરવ્યુ, અનુભૂતિ સત્ર વિગેરે બાબતોને આવરી લેવામાં આવી હતી. દેશવિદેશના લોકોએ વીડિયો સ્વરૂપે મોકલેલ પ્રશ્નોનું સમાધાન પણ પૂજ્ય સ્વામીજી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રામકાકા દ્વારા ઓનલાઈન યજ્ઞ પણ કરાવ્યો હતો જેમાં ઘણા લોકો પોતપોતાના ઘરે યજ્ઞ કરીને સામેલ થયા હતા.પરમ પૂજ્ય સ્વામીજીએ પ્રશ્નોત્તરી દરમિયાન જણાવ્યું હતું કે ‘આત્મહત્યા એ અસફળતાનો ઉકેલ નથી. જે વ્યક્તિ જીવનમાં વારંવાર અસફળતા મેળવે છે, એ જ વ્યક્તિ ખૂબ સફળ વ્યક્તિ બને છે. જીવનમાં ધ્યાનને જોડી લેવાથી એક સકારાત્મક સામૂહિકતાનો લાભ મળે છે, નકારાત્મક વિચારોમાંથી રાહત મળે છે. ધ્યાન આપણને સંતુલિત બનાવે છે, આપણને કાર્યમાં સફળતા અપાવે છે, કારણ કે સંતુલિત વ્યક્તિના પ્રયત્નો પણ સદૈવ સંતુલિત હોય છે.’

નિયમિત ધ્યાન થકી ‘દેહથી દેવ તરફની યાત્રા’ તરફ પ્રેરિત કરતાં પૂજ્યા ગુરુમાએ સમજાવ્યું હતું કે  સ્વર્ગ અને નર્ક આપણી પાસે જ છે, જયારે આપણે ખુશ અને આનંદિત હોઈએ છીએ ત્યારે આપણે સ્વર્ગમાં હોઈએ છીએ અને જયારે દુ:ખી-નિરાશ હોઈએ છીએ ત્યારે આપણે નર્કમાં હોઈએ છીએ. નિયમિત ધ્યાન આપણને સતત સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.

સતત 72 કલાકના લાઇવ કવરેજના આ સમગ્ર કાર્યક્રમ થકી દેશવિદેશના લોકોએ ઘરે રહીને લાભ લીધો હતો.  ઉપરાંત, ગુરુતત્ત્વ, ગુરુકાર્યનું આધ્યાત્મિક મહત્વ, કુંડલિની શક્તિ,  સમાધિસ્થ સદ્ગુરુ, સૂક્ષ્મ શરીર, મોક્ષ જેવા અનેક આધ્યાત્મિક ગૂઢ વિષયોની સરળ સમજૂતીની સાથે સાથે અનુભૂતિપ્રધાન સમર્પણ ધ્યાનયોગને પણ વિશદ રૂપે સમજવાનો અવસર પૂજ્ય સ્વામીજીના પ્રવચન થકી સહુકોઈને સાંપડ્યો હતો.  ઉલ્લેખનીય છે કે સમર્પણ પરિવાર અંતર્ગત આ વર્ષ ‘બાલવર્ષ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું અને દેશવિદેશનાં અનેક બાળકોની ઓનલાઈન બાલસંસ્કાર કેન્દ્રોના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરાયેલી ખૂબ જ સુંદર અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક કૃતિઓને પણ ખૂબ સરાહના મળી હતી.  આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના ડાયરેક્ટર અમ્બરીષભાઈના નેતૃત્વમાં દાંડી સમર્પણ આશ્રમના સેવાધારી તેમજ સ્વયંસેવકોની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.