મૂંગા પશુઓ સાથે આવો વેર..? ચાર ગાયો પર હુમલો કરનાર નિર્દયી પોલીસ પકડમાં..!!

અબતક, રાજકોટ

રાજકોટમાં અબોલા જીવ પર નિર્દયતાના કૃત્યના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના ભગવતીપરા વિસ્તારમાં ચાર ગાયો પર નિર્દય શખ્સે ધારદાર હથિયારના ઘા ઝીંક્યા છે અને માલધારીએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસને સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ ભગવતીપરા બ્રિજ પાસે મોડી રાત્રે વિશાલ જયંતિ મકવાણા નામના શખ્સે ધારદાર હથિયાર વડે ચાર ગાયોને માર મારી ત્યાંથી ફરાર થયો હતો. બાદમાં વિસ્તારના લોકોએ એકઠા થઇ બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીને કડક સજા મળે તે માટે જીવદયાપ્રેમીઓ કમિશનર અને કલેક્ટરમાં આપશે આવેદન

ફરિયાદ પરથી પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપીની ઓળખ મેળવી તેની વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.નિર્દય આરોપી વિશાલની પોલીસે પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે તેને અગાઉ એક ગાયએ ઢીક મારી હતી જે વાતનો તેને ખાર રાખી આ નિર્દય કૃત્ય આચર્યુ છે અને અગાઉ પણ વિશાલે ત્યાં ના વિસ્તારમાં શ્ર્વાન પર છરીના ઘા ઝીંક્યાનું તપાસમાં જાણવા મળ્યું છે.આરોપીને કડક સજા મળે તે માટે જીવદયાપ્રેમીઓ આજ રોજ એકઠાં થઇ અને કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદન આપવાનાં છે.