Abtak Media Google News

Table of Contents

રૂપાણી સરકારના સુશાસનના પાંચ વર્ષની ન ભૂતો ન ભવિષ્ય જેવી ઉજવણી

અબતક, રાજકોટ :મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાશે. આ ઉજવણી ન ભૂતો ન ભવિષ્ય જેવી બનવાની છે. જેમાં 11232 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત-સહાય કરવામાં આવનાર છે.

સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે  થીમ આધારિત વિવિધ જનહિતલક્ષી ફલેગશીપ યોજનાઓનો વ્યાપ વધારવા માટે રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનું રાજય સરકારનું આ જનહિત લક્ષી કાર્યક્રમોનું આયોજન છે.

પાંચ વર્ષ આપણી સરકારના – સૌના સાથ, સૌના વિકાસના

સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 8 લાખ 50 હજાર લોકો સહભાગી થશે: અન્નોત્સવની ઉજવણીમાં વડાપ્રધાન પણ વર્ચ્યુઅલ જોડાશે

રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવા રાજય સરકાર દ્વારા જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન

કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમ યોજાશે. સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત ૮ લાખ ૫૦ હજાર લોકો સહભાગી થશે.રાજ્યના વિવિધ જિલ્લા-તાલુકા મથકોએ આ કાર્યક્રમોમાં વિધાનસભા અધ્યક્ષ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, મહાનગરોના મેયરો, બોર્ડ કોર્પોરેશનના અધ્યક્ષો સહભાગી થશે.

તા.1 – જ્ઞાન શક્તિ દિવસ : સ્માર્ટ કલાસ, કોમ્પ્યુટર લેબના લોકાર્પણ થશે

તા. 1 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્યની 100 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા 51 ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ 151 કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રૂ. 95 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1050 શાળાના ઓરડાઓ, રૂ. 10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર થયેલા 71 પંચાયત ઘર, રૂ. 4 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂ. 35 કરોડના ખર્ચે નિર્મિત 256 માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે.  શોધ યોજના અંતર્ગત 1000 પી.એચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 2008 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ રાજ્યની 16 કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ કરવામાં આવશે જેનો 18,670 વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત રૂ. 58 કરોડના ખર્ચે રાજ્યમાં વિવિધ 647 શાળાના ઓરડાઓ, રૂ. 2076 કરોડના ખર્ચે 144 પંચાયત ઘર નિર્માણ માટે પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવશે.

તા.2- સંવેદના દિવસ : 443 સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, અનાથ બાળકોને રૂ. 1.18 કરોડની સહાય અપાશે

તા. 2 જી ઓગષ્ટના રોજ ‘સંવેદના દિવસ’ અન્વયે રાજકોટમાં મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિતિ રહેતા વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે તાલુકા, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓમાં 433 જેટલા સેવા સેતુ કાર્યક્રમોનુ આયોજન છે. રાજ્યના 248 તાલુકા અને 156 નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં 29 સેવા સેતુ કાર્યક્રમો યોજાશે.સંવેદના દિવસ અન્વયે યોજાનારા સેવાસેતુ સહિતના કાર્યક્રમોમાં નાના, સામાન્ય વર્ગના, ગરીબ, વંચિત લોકોને દિવ્યાંગ, વૃદ્ધો અને કોરોનામાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર અનાથ બાળકોને વિવિધ લાભ સહાય અપાશે જે અન્વયે 4941 બાળકોને રૂ. 1.18 કરોડની સહાય પણ અપાશે. કોરોના કાળમા મૃત્યુ પામેલ માતા પિતાના બાળકો માટે સમાજ કલ્યાણ વિભાગ અને જેએમ ફાઈનાન્સિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શિક્ષણમાં સહાયરૂપ થવાની યોજનાનો શુભારંભ થશે. પાલક માતા-પિતા, દિવ્યાંગ, વિધવા અને વૃધ્ધો માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.

તા.3- અન્નોત્સવ દિવસ : 4.25 લાખ લોકોને અનાજનું વિતરણ, પીએમ લાભાર્થીઓ સાથે કરશે સંવાદ

3 જી ઓગષ્ટના રોજ સર્વને અન્ન, સર્વને પોષણ અંતર્ગત ‘અન્નોત્સવ દિવસ’ અન્વયે યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન રાજ્યની 17 હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ પ કિલો અનાજની કિટનું વિતરણ કરશે. આણંદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા પણ જોડાશે. પ્રધાનમંત્રી પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની દુકાનો પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત એનએફએસએ અંતર્ગત અંદાજિત 72 લાખ પરિવારોને (3.5 કરોડની વસ્તી) વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે.

તા.4 – નારી ગૌરવ દિવસ : 1 લાખ બહેનોને રૂ. 100 કરોડ વગર વ્યાજે અપાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યકક્ષાના  મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે તા. 4થી ઓગષ્ટે ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવશે. રાજ્યના 10 હજાર જેટલી મંડળોની 1 લાખ બહેનોને કુલ 100 કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે. જેમાં શહેરી વિસ્તારમાં 38 અને ગ્રામ્ય વિસ્તારમાં 70 મળીને કુલ 108 જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં 5000 અને ગ્રામ્ય વિસ્તારમાં 5000 આમ કુલ 10 હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે. તદઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે 200 આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ 143 આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરાશે.

તા.5 – કિસાન સન્માન દિવસ : 1400 ગામોના 1.18 લાખ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ અપાશે

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી તેમજ કૃષિ મંત્રી આર.સી.ફળદુ તા.5 મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 125 જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. આ સાથે 121 સબ સ્ટેશન તેમજ 561 ફીડર દ્વારા 1400 ગામોના આશરે 1,18,000 ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે. તદઉપરાંત રૂપિયા 79 કરોડના ખર્ચે બીજ નિગમ ગોડાઉનના ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે.

તા.6 – રોજગાર દિવસ : 50 રોજગાર મેળા યોજાશે, 50 હજાર યુવાનોને નિમણુંકપત્રો એનાયત કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉર્જા મંત્રી  સૌરભભાઇ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે તા. 6 ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ થશે. રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં પણ વિકાસ કામો સહિતના કામોની રફતાર જાળવી રાખી આ રોજગાર પ્રક્રિયા પૂર્ણ કરી છે તેના નિમણૂંક પત્રો અર્પણ થશે. રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂંકો હેઠળ અંદાજે 50 હજાર યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરાશે. આ દિને ‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ થશે.

તા.7 – વિકાસ દિવસ : 25 હજાર આવાસોનું લોકાર્પણ, 46 હજારનું ખાતમુહૂર્ત

તા. 7મી ઓગસ્ટ, 2021 શનિવાર ‘વિકાસ દિવસ’ અંતર્ગત ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલ  ઉપસ્થિત રહી મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી  નિતીનભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરાવશે. તેઓ વિકાસ દિવસે “વતનપ્રેમ” યોજનાનો શુભારંભ પણ કરાવવાના છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. 382 કરોડના રપ હજાર આવાસોનું લોકાર્પણ અને રૂ. 703 કરોડના 46 હજાર આવાસનું ખાતમૂહર્ત થશે. આઇ.ટી.આઇ.ના રૂ. 245 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થશે.વિકાસ દિવસે રૂ. 489 કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ, ડીસા નેશનલ હાઇવેનો નવનિર્મિત રૂ. 464 કરોડના બ્રિજનો લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને શહેરી આવાસ યોજનાઓ(ઇડબ્લ્યુએસ /એલઆઈજી સહિત)ના નિર્માણ પામેલા રૂ. 323 કરોડના 5170 આવાસોનું ડ્રો/લોકાર્પણ/ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થશે. રૂ. 286 કરોડના જીઇબી 21 સબ સ્ટેશનોનું લોકાર્પણ અને 8 સબ સ્ટેશનનું ખાતમૂહર્ત અને રૂ. 265 કરોડની ધાંધુસણથી રેડ લક્ષ્મીપુરા પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ થશે.આ દિવસે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂ. 255 કરોડના 151 બસો,  5 બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાશે.

બગોદરા, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂ. 153 કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કરાશે. સૌની યોજના – વિકળીયાથી બોર તળાવ (ભાવનગર) 53.532 કિ.મી.ની રૂ. 146 કરોડની પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. 97 કરોડની ભાસરીયા – મહેસાણા પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. 75 કરોડની માતપુરથી બ્રહમાણવાડા ઉદવહન પાઇપલાઇન યોજનાનું ખાતમૂર્હત અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રૂ. 23 કરોડના બે બ્રિજનું લોકાર્પણ થશે. આમ કુલ આશરે રૂ. 3906 કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવશે. વિકાસ દિવસે જિલ્લા દીઠ 1 અને મહાનગર પાલિકા દીઠ 1 મળીને કુલ 41 કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, લોકાર્પણ અને ખાતમુહર્તના સ્થળે મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમો યોજવામાં આવશે.તા. 7મી ઓગસ્ટ, 2021 – શનિવારે સાંજે ‘વિકાસ દિવસ’ અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ હિંમતનગરમાં આરોગ્ય સુખાકારી કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનારા કોરોના વોરીયર્સનું સન્માન કરાશે.

81 એમટી કેપેસિટીના 115 પીએસએ ઑક્સિજન પ્લાન્ટનો શુભારંભ અને 100 ટકા રસીકરણ થયેલ 1000 ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના 71 કામોના લોકાર્પણ-ખાતમુહર્ત થશે. જે પૈકી, રૂ. 58 કરોડના ખર્ચે નિર્મિત 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, 22 પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને 18 સબસેન્ટર્સનું લોકાર્પણ, અને રૂ. 70 કરોડના ખર્ચે નિર્મિત 2 પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ અને 19 સબસેન્ટર્સનું ખાતમુહૂર્ત થશે.

તા. 8 -શહેરી જન સુખાકારી દિન : લોકાર્પણ- ખાતમુહૂર્તના 40 કાર્યક્રમો યોજાશે

તા. 08મી ઓગસ્ટ રવિવારે ‘શહેરી જન સુખાકારી દિન’ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂ. 5855 કરોડની માતબર રકમના લોકાર્પણ, ખાતામુહૂર્ત અને સહાય વિતરણ થશે. શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રાજયની 08 મહાનગર પાલિકાઓ અને 156 નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂપિયા 1000 કરોડના ચેકનું વિતરણ કરાશે.

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તેમજ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા રૂપિયા 1388 કરોડના 551 કામોના લોકાર્પણ અને ખાતમૂર્હૂત થશે.વર્લ્ડ બેંક દ્વારા અમદાવાદને રૂપિયા 3 હજાર કરોડની રકમની સૈદ્ધાંતિક મંજુરી, એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેક્ટની રૂ. 328 કરોડની ગ્રાન્ટ, નગરપાલિકાઓમાં રૂ. 100 કરોડના વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ગ્રીન સીટી સુરતને રૂ. 38 કરોડની ચુકવણી થશે. આ દિવસે રાજ્યની 8 મહાનગરપાલિકામાં તેમજ 32 જિલ્લામાં એક એમ કુલ 40 જેટલા કાર્યક્રમો યોજાશે.

તા.9 – વિશ્વ આદિવાસી દિવસ : બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે

તા. 9મી ઓગસ્ટ, 2021-સોમવારના રોજ ગુજરાતભરમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ અંતર્ગત 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને  વનમંત્રી ગણપતસિંહ વસાવા રાજપીપળા(નર્મદા)થી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.વિશ્વ આદિવાસી દિવસે પ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ. 80 કરોડની ચુકવણી થશે.

બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે. હળપતી આવાસ યોજના હેઠળ 2000 આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ 1000 આવાસોના હુકમો આપવામાં આવશે. વ્યક્તિગત યોજનાના કુલ 20000 લાભાર્થીઓને રૂ. 56 કરોડની સહાયનું વિતરણ કરાશે. રૂ. 355 કરોડના ખર્ચે 149 કામોનું લોકાર્પણ અને રૂ. 462 કરોડના ખર્ચે 37 કામોનું ખાતમુહર્ત એમ કુલ 817 કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી જનતાને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.