Abtak Media Google News

હાલના સંજોગોમાં જ્યારે કોરોના વાયરસના કેસોમાં ઉછાળો આવ્યો છે, ત્યારે કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોકોના હિતમાં જિલ્લાના જુદા જુદા શહેરો તથા ટાઉનમાં માઇક ઉપર જાહેરાત કરી, જાગૃતિ લાવવા નવતર પ્રયોગ હાથ ધરી, જૂનાગઢ પોલીસ દ્વારા સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જુનાગઢ રેન્જના પોલીસ વડા ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ શહેર તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમા સરકારી વાહનમાં માઇક ઉપર સૂચનાઓ તૈયાર કરી, જૂનાગઢ જિલ્લાની પ્રજાને કોરોના વાયરસ સામે લડવા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, વારંવાર હાથ સેનેટાઇઝ કરવા ઉપરાંત લગ્ન મેળાવડા, સ્મશાન યાત્રામાં ભીડ નહીં કરવા તથા સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા જણાવવામાં આવે છે.

ઉપરાંત, હાલમાં જૂનાગઢ શહેર વિસ્તારમાં રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવેલ હોઈ, રાત્રીના 8 વાગ્યા પછી નીકળનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા બાબત પણ માઈકમાં જાહેરાત કરી, લોકોને જાગૃત કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા જિલ્લામાં માઇક ઉપર જાહેરાત કરી, શાક માર્કેટ, શોપિંગ મોલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ ધાર્મિક સ્થાને જઈને માઈકમાં જાહેરાત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.