- ખેડા,ભૂજ, જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને ગોધરામાં એફઆઈઆર દાખલ
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપ્યા હતા.
ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાને આવતા તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
જેમાં ખેડા જિલ્લામાં 2, ભૂજમાં 2 એફઆઈઆર ઉપરાંત જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ 14 એફઆઈઆર દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.