જયંતી ભાનુશાળીની હત્યામાં ભુજના વકીલ, પત્રકાર, રાજનેતા સહિતના સામે ફરિયાદ

જયંતીભાઈની હત્યામાં વિવિધ દિશામાં રાજ્યભરમાં તપાસનો ધમધમાટ

મુસાફરની નજર સામે બે શાર્પશુટર દ્વારા ગોળી ધરબી મોતને ઘાટ ઉતાર્યા

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની ચાલુ ટ્રેનમાં થયેલી હત્યાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ સર્જ્યો છે. ત્યારે આ હત્યા સંદર્ભે જયંતીભાઈના ભત્રીજા સુનીલ ભાનુશાલીએ છબીલ પટેલ, તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલ, જયંતીભાઈ ઠક્કર (મૂળ રહે. ડુમરા, હાલે- ભુજ), ભુજના એડવોકેટ સંજય પટેલ અને ભુજના પત્રકાર ઉમેશ પરમાર સહિતના લોકો સામેલ હોવાની શંકા દર્શાવી વિવિધ આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

૨૦૧૭ની ચૂંટણીમાં છબીલ પટેલ હારી જતાં પોતાના કાકાએ હરાવ્યા હોવાનો વહેમ રાખી છબીલ પટેલે હાથથી બંદુકની ગોળી છોડતાં હોવાનો એક વિડિયો વાયરલ કર્યો હોવાનું જણાવી સુનીલે ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા કાકા જયંતીભાઈની રાજકીય કારકીર્દિ અને સામાજિક રીતે ખતમ કરી દેવા માટે છબીલદાસ પટેલ, તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલ તથા મનીષા ગોસ્વામી તથા અન્ય છથી સાત લોકોની સાથે મળીને તેમની અજાણી સ્ત્રી સાથે કઢંગી હાલતની અવસ્થામાં હોય તેવી વિડિયો સીડી તૈયાર કરેલી.

આ સીડીથી મને અને મારા કાકાને બ્લેકમેઈલ કરતા હતા. છેલ્લાં એક વર્ષથી છબીલ પટેલ અને તેના માણસો જયંતીભાઈ ઠક્કર, ઉમેશ પરમાર કે જે પત્રકાર તરીકે ઓળખાય છે તે તથા મનીષા ગોસ્વામીને સાથે રાખીને અવારનવાર એવું કહેવાડવતા કે જયંતી ભાનુશાલીને કહો કે રાજકારણમાંથી સંન્યાસ લઈ લે તો જ તેમની વિડિયો સીડી કે જે તેમને રાજકીય-સામાજિક નુકસાન કરે છે તે હું અટકાવી દઉં. આ વાત પણ છબીલ પટેલે તેમના ઓળખીતા વકીલ સંજય ત્રિકમદાસ પટેલ જેઓ ભુજ કોર્ટમાં એડવોકેટ તરીકે કામ કરે છે તેમને કહ્યું હતું.

આ બનાવનું કારણ રાજકીય દ્વેષભાવ છે. છબીલ પટેલે કરેલા ખોટા આક્ષેપો અને કેસોમાંથી મારા કાકા કાયદાકીય રીતે નિર્દોષ બહાર આવતા તેથી છબીલ પટેલ પોતાના રાજકીય હરીફને દૂર કરવા માટે તેમની ગેંગના માણસો જેવા કે મનીષાબેન ગોસ્વામી (રહે. વાપી), જયંતીભાઈ જેઠાલાલ ઠક્કર, ઉમેશ પરમાર, સિધ્ધાર્થ છબીલભાઈ પટેલ અને સુરજીતભાઉ (રહે. વાપી) તથા બીજા મળતીયાઓ મારફતે કાવતરું રચી મારા કાકાની પૂર્વતૈયારી સાથે ક્રુર રીતે હત્યા કરેલ છે.

જયંતીભાઈની હત્યામાં જાણીતા વકીલ સંજય પટેલ, જયંતી ઠક્કર (ડુમરાવાળા), ઉમેશ પરમાર સહિતના લોકોના નામ બહાર આવતાં નવેસરથી ચકચાર સાથે ચર્ચા જાગી છે.

હત્યા કેસની તપાસ માટે ૭ અધિકારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ રેલવેના જઙ ભાવનાબેન પટેલ, રાજકોટ રેલવેના DySPપી.પી.પીરોજીયા, અમદાવાદ રેલવેના DySPજે.પી.રાઓલ, રાજકોટ CIDક્રાઈમના DySPઆર.એસ.પટેલ, અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ.ચુડાસમા, અમદાવાદ રેલવે એલસીબીના પીઆઈ આર.એમ.દવે અને સુરત રેલવે પોલીસના પીએસઆઈ ડી.જે.પટેલનો સમાવેશ થાય છે. ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ ATSઅને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ SITની મદદમાં રહેવા સૂચના આપી છે.

અમદાવાદ ખાતે જયંતીભાઈની અંતિમવિધિ

ભાજપના બે કેબિનેટ મંત્રી સહિત અનેક દિગ્ગજ લોકો અંતિમયાત્રામાં જોડાયા

ભાજપના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની સયાજી એકસપ્રેસ ટ્રેનના એસી ટ્રેનના કોચમાં ગોળીબાર કરી હત્યા નિપજવાના બનાવે રાજય અને કચ્છના રાજકારણમાં સન્નાટો વ્યાપી ગયો છે. જયંતીભાઈની આજે ૧૦ કલાકે અંતિમવિધિ કરવામાં આવી હતી. આ હત્યા પાછળ રાજકીય હરીફ અને ભાજપના અગ્રણી છબીલ પટેલ સામે પહેલી આંગળી ચિંઘ્યા બાદ મૃતક ભત્રીજાએ છબીલ પટેલ તેના પુત્ર સહિત પાંચથી વધુ સામે શંકા દર્શાવી છે.

જયંતીભાઈ ભાનુશાળીના મૃતદેહને માળીયાથી અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને એક સમયે પરિવારજનો દ્વારા હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હોવાની ચર્ચા જાગી છે. અમદાવાદ ખાતે ભાજપના અગ્રણી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી.ફળદુ કેબિનેટ મંત્રી દોડી ગયા હતા અને જયંતીભાઈ ભાનુશાળીના પરીવારજનોને સાંત્વના આપી હતી અને હત્યારાને તાત્કાલિક ઝડપી લેવા બાંહેધરી આપી હતી. અમદાવાદ ખાતે ૧૦:૦૦ કલાકે જયંતીભાઈની અંતિમવિધી કરી હતી ત્યારે કચ્છના રાજકીય અને સામાજીક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.