Abtak Media Google News

પ્રકાશ્યો જે, ગુરુરાજે, સનાતન માર્ગ મુકિતનો,

દીધો સન્માર્ગ તે અમને, અહીં ઉપકાર પ્રભુશ્રીનો

પરમ કૃપાળુદેવનાં દેહવિલયનાં સમાચાર સાંભળતાં જ મુનિશ્રી કાવિઠાથી આહાર-પાણી વહોર્યાં વગર જંગલમાં જતા રહ્યા. આખો દિવસ ધર્મ-આરાધના તથા ભક્તિમાં વીતાવ્યો.

આ સમાચારથી મુનિશ્રી ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. પોતાના સંયમી વૈરાગ્યમય જીવનના આધારસમા, સત્ધર્મનો માર્ગ દેખાડનારા અને લૌકિકદ્દષ્ટિ ફેરવી સમકિતદ્દષ્ટિ કરાવનાર એવા પરમ ઉપકારી શ્રીમદ્ રાજચંદ્રજીનો આવો વિયોગ અસહ્ય થઈ પડયો હતો.

આથી જ હવે મુનિશ્રીએ, પરમકૃપાળુદેવનાં સાંનિધ્યમાં સનાતન ધર્મનાં જે મૂલ્યો તેઓ પામ્યા હતા, તે મૂલ્યોની પ્રભાવના કરવાનો નિર્ણય કર્યો. આથી જ શ્રીમદ્ રાજચંદ્રજીનો કલ્યાણકારી સમાગમ તથા બોધ તેઓને પ્રાપ્ત થયા હતા, તેવા સ્થળોએ વિચરવા લાગ્યા.

આ સમય દરમ્યાન વિશેષ કરીને તેઓશ્રી ચરોતરભૂમિમાં તથા ગુજરાતના ગામોમાં વિચરતા હતા. હવે મુનિશ્રીએ મુહપતિનો ત્યાગ કર્યો હતો અને ઓઘાને બદલે મોરપીંછ રાખતા હતા.

મુનિશ્રી જયાં જયાં પધારતાં ત્યાં શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપકારોનું વેદન કરતા, અને ભવિકજનોને સત્સંગ અને ભકિતમાં જોડી સત્ધર્મનો રંગ ચડાવતા હતા.

શ્રીમદ્ રાજચંદ્રજીએ મુનિશ્રીને જે શિખામણ આપી હતી તેને આજ્ઞા સમજી તેનું બરાબર પાલન કરતા હતા. ‘મુનિ, આ દુષ્મકાળ છે માટે જડભરત થઈને વિચરજો…લઘુતા ધારણ કરી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે.’ આ શીખને ધ્યાનમાં રાખીને મુનિશ્રી અનુયાયી હોય કે વિરોધી હોય, સર્વ પ્રત્યે સમભાવ રાખીને સર્વજનોને ભકિતભાવપૂર્વક કલ્યાણમાર્ગે દોરતા હતા.

મુનિશ્રી જયાં જયાં પધારતાં ત્યાં ત્યાં તેઓશ્રીનાં દર્શનનો અને સત્સંગનો લાભ લેવા અનેક ભકતજનો આવતાં. મુનિશ્રી આ બધાને ભકિતમાર્ગમાં જોડતા અને વીતરાગપ્રણીત સનાતનધર્મની પ્રભાવના કરતા હતા.

વળી,ઘણીવાર મુનિઓ એકાંત સાધના માટે પહાડો, જંગલો અને ગુફાઓમાં ચાલ્યા જતાં, ત્યાં તેઓશ્રીને ઘણાં ઉપસર્ગો સહન કરવા પડતા તો બીજી બાજુ વિરોધીઓ દ્વારા ઉપેક્ષા તથા નિંદાના ભાવ વધતા જતા હતા, પરિણામે આહાર-પાણી પણ મેળવવામાં મુશ્કેલી પડવા લાગી. મુનિઓ આ બધું સમભાવે વેદીને કોઈપણ જાતના પ્રતિભાવ વગર સર્વને કલ્યાણમાર્ગે દોરતા રહ્યા, પરિણામે મુમુક્ષુઓની સંખ્યા વધતી જતી હતી.

આ સમય દરમ્યાન શ્રી દેવકરણજી મુનિ જેવા આજ્ઞાંકિત શિષ્ય અને એકનિષ્ઠ સેવક એવા શ્રી અંબાલાલભાઈનો દેહવિલય થતાં મુનિશ્રીને બહુ જ આઘાત લાગ્યો. હવે શરીર પણ વ્યાધિગ્રસ્ત બનતું જતું હતું.

આવા સંજોગોમાં ઘણાં મુમુક્ષુઓ ઈચ્છતા હતા કે મુનિશ્રી સ્થિરવાસ કરી શકે એવી જગ્યા મળી જાય તો આવા સંતશિરોમણી જેવા મુનિશ્રીનાં સાંનિધ્યમાં ભકિત, સત્સંગ દ્વારા આત્મલક્ષી સાધના કરી શકાય.

પરમાર્થ પુણ્યોદયનું પ્રભાત થયું અને ૧૯૭૬માં આવી શુભ ભાવના ફળીભૂત થઈ અને અગાસ મુકામે બાર વીઘાનું ખેતર પ્રાપ્ત થતા, ત્યાં ‘શ્રી સનાતન જૈનધર્મ રાજચંદ્ર અગાસ આશ્રમ’ની સ્થાપના થઈ.

મુનિશ્રીએ આ આશ્રમમાં ૧૪ ચાતુર્માસ કરી આધ્યાત્મિક વાતાવરણ ઉભું કર્યું અને તેમાં પ્રાણ પૂર્યાં. કોઈપણ જાતના ભેદભાવ વગર ભકતજનો દર્શન, સત્સંગ અને ભકિતભર્યા સમાગમનો લાભ પ્રાપ્ત કરવા લાગ્યા.

ત્યારબાદ બ્રહ્મચારીજીને આશ્રમની જવાબદારી સોંપી વૈશાખ સુદ ૮ના રોજ સમાધિવસ્થામાં તેઓશ્રીએ દેહનો ત્યાગ કર્યો. આવા ઉપકારી મુનિવરને અગણિત વંદન હોજો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.