- આ વર્ષે પ્રથમવાર વસ્તી ગણતરી મોબાઈલ એપ્લિકેશન દ્વારા થશે: 16 ભાષાઓમાં એપ અવેલેબલ હશે
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ટેક્નોલોજીનું પ્રભાવ વધતું જાય છે, અને તેનો લાભ હવે સરકારી કામગીરીમાં પણ લેવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ભારત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે – હવે જનગણનાની પ્રક્રિયા માટે એક મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે વર્ષ 2027માં થનારી વસ્તી ગણતરી કરવા માટે ગણતરીકર્તાઓને દરેક ઘરના દરવાજા સુધી જવું ફરજિયાત નહીં રહે. અને માહિતી પણ વર્ષ 2027ના અંત સુધીમાં જ મળી જશે.
આ નવી ટેક્નોલોજીના લીધે મોબાઈલ એપ દ્વારા ગણતરી કરવાની પદ્ધતિ સમય અને સંપત્તિની બચત કરે છે. આ એપમાં ગણતરીકર્તા સીધા જ દરેક પરિવારની માહિતી દાખલ કરી શકશે – જેમ કે ઘરના સભ્યોની સંખ્યા, ઉંમર, લિંગ, શિક્ષણ, રોજગાર, અને અન્ય જરૂરી વિગતોનો સમાવેશ થઈ જશે. આ માહિતી સીધા જ કેન્દ્રિય ડેટાબેઝ સાથે જોડાઈને સંગ્રહિત થશે, જેના કારણે માહિતી વધુ યોગ્ય અને તટસ્થ રીતે એકઠી થશે.
સરકારના સૂત્રોએ સંકેત આપ્યો છે કે 2011ની વસ્તી ગણતરીનો અંતિમ વસ્તી ડેટા પ્રકાશિત કરવામાં લગભગ બે વર્ષ લાગ્યા હતા. સરકારનો 2027ના અંદાજ પ્રમાણે માત્ર 9 મહિનામાં જ તમામ માહિતી મળી રહેશે. 2027ની વસ્તી ગણતરી બે તબક્કામાં યોજાશે – 2026માં ઘર-યાદીનો તબક્કો, ત્યારબાદ ફેબ્રુઆરી 2027 માં વસ્તી ગણતરીનો તબક્કો થશે. જેમાં 16 ભાષાઓ માં મોબાઇલ ફોન એપ્લિકેશનોનો ઉપયોગ કરવામાં આવશે. આ એપ્લિકેશનો ગણતરીકારો અને નાગરિકો બંને માટે સરળ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. બાદમાં ગણતરીકારો પાસે સ્વ-ગણતરી કરવાનો વિકલ્પ પણ હશે.