81 ટકા વિઘાર્થીઓમાં એકાગ્રતાનો ઘટાડો જોવા મળ્યો: સર્વે

ઓનલાઇન શિક્ષણથી બાળકોના કૌશલ્યમાં જોવા મળતો ઘટાડો

સૌ. યુનિ. ના મનોવિજ્ઞાનભવન દ્વારા 1710 વિઘાર્થીઓ પાસેથી માહીતી એકઠી કરાઇ

કોરોના મહામારીને કારણે ઓનલાઇન શિક્ષણનું વર્ચસ્વ વધી ગયું છે. આ મહામારીએ ઘણું બધું પરિવર્તન કરાવી દીધું.ઓનલાઇન શિક્ષણ એ એક માધ્યમ છે જ્યાં શિક્ષક ઇન્ટરનેટ દ્વારા દૂરસ્થ અને વિશ્વના કોઈપણ ખૂણાથી કનેક્ટ થઈ શકે છે.શિક્ષકો સ્કાયપ, ઝૂમ, ગૂગલ મીટ વગેરે જેવી એપ્લિકેશનો દ્વારા વિડિઓ કોલ કરે છે અને બાળકો શિક્ષકને લેપટોપ અથવા કમ્પ્યુટર પર જોઈ અને સાંભળી શકે છે. શિક્ષકો બાળકોને ભણાવવા માટે તેમની કમ્પ્યુટર સ્ક્રીન શેયર કરે છે, જેથી બાળકો ઘરેથી શિક્ષણ મેળવી શકે.

કોરોના મહામારીને કારણે લોકડાઉન હોવાથી તમામ શિક્ષણ કેન્દ્રો, શાળાઓ બંધ હતી ત્યારે ઓનલાઇન શિક્ષણે પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે, વિશ્વભરના બાળકો ઓનલાઇન શિક્ષણનો ઉપયોગ કરીને સરળતાથી અભ્યાસ કરી શકે છે .કોરોના, લોકડાઉન, ઓનલાઇન વર્ગો વગેરેની શિક્ષણ જગતમાં તેની ખૂબ જ નિષેધક અસર થઈ છે. શાળા થી લઈને કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની ખૂબ જ નિષેધક અસર થઇ છે.     *વિદ્યાર્થીઓમાં પહેલા કરતા લેખન કૌશલ્ય*,

*શ્રવણ શક્તિ,યાદશક્તિ, એકાગ્રતા તેમજ* *ભણવાની ધગશ માં ઘટાડો થયો હોય* *તેમ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.*   હાલ ઘણા સમય સુધી ઘરે રહીને અભ્યાસ કરવાનો હોવાથી તેમજ ઓનલાઇન વર્ગો ને કારણે બાળકો મોબાઈલ, ટીવી તેમજ ગેમની ખોટી લતના ભોગ બન્યા છે. જેની અસર તેમના શિક્ષણ પર ખૂબ જ ઉંધી પડી છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગોમાં સાથે સાથે સોશિયલ મીડિયા તેમજ ઓનલાઈન ગેમ્સના રવાડે ચડી શિક્ષણને તેમજ પોતાના જીવનના ધ્યેયને ક્યાંક ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

જેમ શરૂઆતમાં જ્યારે ઓનલાઇન વર્ગો શરૂ થયા હતા ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શરૂઆતના સમયમાં તકલીફ પડતી હતી, એ જ રીતે હવે જ્યારે આટલા સમય પછી ફરી ઓફલાઈન વર્ગો શરૂ થયા છે ત્યારે વિદ્યાર્થીઓને તેની સાથે સમાયોજન સાધવામાં તકલીફ પડી રહી છે. હવે ધીમે ધીમે જેમ ઓફલાઈન વર્ગો શરૂ થઈ રહ્યા છે ત્યારે આટલો સમય ઓફનલાઈન વર્ગો થી થયેલ નિષેધક અસર હવેના સમયમાં જોવા મળી રહી છે.

72% વિદ્યાર્થીઓને હાલમાં લખવુ ગમતું નથી. 63% વિદ્યાર્થીઓને કશું યાદ રહેતું નથી. યાદ રાખવામાં મુશ્કેલી પડે છે.54% લોકોને વાંચવું ગમતું નથી. મોબાઈલની ગેમ્સ યાદ આવે, મિત્રો સાથે રમવા જવાની ઈચ્છા થાય છે. ભણવામાં ધ્યાન રહેતું નથી.

81 % વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો ઘટાડો થયો જોવા મળ્યો. ઊંઘ આવે, મોબાઈલ યાદ આવે, ટીવી જોવાની ઈચ્છા થવી, ભણવામા ધ્યાન ન રહેતા રમતમા ધ્યાન જતું રહેવું.

શું કરવું જોઈએ?

  • જેમ શરૂઆતના લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગોમાં સમજવામાં તકલીફ પડતી હતી પરંતુ સમય જતાં એ બાબતની ટેવ પડી ગઈ હતી એ જ રીતે હવે જ્યારે આટલા સમય પછી ઓફલાઈન વર્ગો ફરી શરૂ થયા છે ત્યારે ધીમે ધીમે ઓફલાઈન વર્ગોની આદત પણ પાડવી જોઈએ.
  • લખવાની ક્ષમતામાં તેમજ ઝડપમાં જો ઘટાડો થયો હોય તો લખવાની વધારે ને વધારે પ્રેક્ટિસ પાડીને તેની ક્ષમતામાં તેમજ ઝડપમાં વધારો કરી શકાય.
  • અક્ષરો સુધારવા માટે પણ બને તેટલા વધુ લખાણના અભ્યાસ દ્વારા તેમજ અક્ષરો મરોડદાર અને સુવાચ્ય થાય તેનો અભ્યાસ નિયમિત થોડો સમય કરવાથી અક્ષરો માં સુધારો કરી શકાય છે.
  • એકાગ્રતામાં પણ પહેલા કરતા વિદ્યાર્થીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આવી બાબતમાં બને ત્યાં સુધી એક સમયે એક જ પ્રવૃત્તિ પર પરંતુ પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ પાડવી જોઈએ ઉપરાંત મેડીટેશન દ્વારા પણ એકાગ્રતામાં વધારો કરી શકાય છે.
  • વિદ્યાર્થીઓની યાદશક્તિ માં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે કોઈ બાબત યાદ રાખવા માટે તેને સરળ બનાવીને તેને યાદ રાખવાથી ફાયદો થઈ શકે છે.
  • વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને તેમજ સમસ્યાઓને સમજી ને શક્ય તેટલા ઉપાય તેમને આપવા જોઈએ. અભ્યાસના પાઠો ને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેમજ વિદ્યાર્થીઓની લેખનની ક્ષમતામાં વધારો થાય તે માટે નિયમિત પણ લખવાની પ્રેક્ટિસ કરાવવી જોઇએ.