Abtak Media Google News
756 જેટલા છાત્રોને પદવી એનાયત

અબતક, અતુલ કોટેચા,વેરાવળ

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 14માં દીક્ષાંત સમારોહમાં 756 જેટલાં પદવી પ્રાપ્ત કરી રહેલાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિને જાણવા હોય તો સંસ્કૃત ભાષા જાણવી પડશે.

સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ચૌદમા પદવીદાન સમારોહમાં પદવીઓ અને સુવર્ણ પદકો મેળવનારસ્નાતકોને અભિનંદન પાઠવતાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે,સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સ્નાતકો સમાજને આત્મનિર્ભરતાનો સાચો મર્મ સમજાવશે.

આ યુનિવર્સિટીમાં ભવ્ય ગ્રંથાલય નિર્માણ પામશે જેમાં અંદાજે પાંચ લાખ શાસ્ત્ર ગ્રંથો અને ઈતર ગ્રંથોનો સમાવેશ થઈ શકશે. ગ્રંથાલયમાં 24 કલાક અધ્યયન માટેની વ્યવસ્થા, સંગોષ્ઠી, પ્રદર્શની, પ્રાચીન પાંડુલિપિઓના સંરક્ષણની વ્યવસ્થા, સંદર્ભગ્રંથ સહિતના વિવિધ કક્ષની સુવિધાઓ ઉપલબ્ધ થશે.ભારત કેન્દ્રીત ચિંતન અને ભારતીય વિચારધારા ઉપર સમાજને વિકસાવવાનું મોટું કામ આ વિશ્વવિદ્યાલય કરી રહી છે. આ વિશ્વવિદ્યાલયના પદવીધારક વેદ વિદ્યાને આત્મસાત કરી તેને સફળતાપૂર્વક આગામી પેઢી પહોંચાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રંસગે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે વર્ચ્યૂઅલી સંબોધન કરતા જણાવ્યું કે,  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપિત યુનિવર્સિટીએ અનેક સોપાનોસર કર્યા છે.

આ દિક્ષાંત સમારોહમાં વારાણસી ખાતેની સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. હરેરામ ત્રિપાઠીએ સારસ્વત અતિથિ તરીકે જ્ઞાનસભર વક્તવ્ય આપ્યું હતું.

સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે યોગદાન આપનાર વિદ્વાન શ્રી વાચસ્પતિ મિશ્રને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના રિચર્સ જર્નલ શોધ જ્યોતિ અને સંદર્ભ ગ્રંથ રઘુવંશમ્ દ્વિતીય સર્ગનુ મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપિત  લલિતકુમાર પટેલે સંસ્કૃત વિશ્વવિદ્યાલયની ગતિવિધિઓની જાણકારી આપતા સ્વાગત પ્રવચન કર્યું હતુ. તેમજ કુલસચિવ  દશરથ જાદવે આભારવિધિ કરી હતી.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-333, આચાર્ય (એમ.એ.)-184, પી.જી.ડી.સી.એ.-174, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.) 51, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-09 અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-05 મળીને કુલ 756 ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં કુલ 20 ગોલ્ડમેડલ  અને 4 સિલ્વરમેડલ  એમ કુલ મળીને 24 જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ દિક્ષાંત સમારોહમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી  પી.કે લહેરી, સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ  જયશંકર રાવલ, વેરાવળ-પ્રભાસ પાટણ નગરપાલિકાના પ્રમુખ  પિયુષભાઈ ફોફંડી સહિતના મહાનુભાવો અને પદવી મેળવનાર છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.