મોરબી જિલ્લાની હાલત ગંભીર: ગામડાઓ સંપૂર્ણ લોકડાઉન તરફ

માળીયાના ખાખરેચી ગામ તેમજ ટંકારાના હડમતીયા ગામે 5 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર

મોરબી જિલ્લાની હાલત અત્યંત જોખમી બની રહી છે. દરરોજ ધરખમ કેસો સામે આવી રહ્યાં છે પરંતુ તંત્ર સબ સલામતના દાવા સાથે 20 થી 30 કેસો જ જાહેર કરી રહ્યું છે. કોરોનાના બીજા કાળમાં મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર વધુ ઝપટમાં આવ્યા છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારો સંપૂર્ણ લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે. ગઈકાલે જ માળીયાના ખાંખરેચી ગામ તેમજ ટંકારાના હડમતીયા ગામે 5 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે.

માળિયાનું નાનું એવુ ખાખરેચી ગામ કોરોનાના ભરડામાં આવી ગયું છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવી રહ્યા છે. પણ સરકારી ચોપડે આ કેસ દર્શાવવામાં આવી ન રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ બેફામ બનેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે સમસ્ત ગામે જહેમત શરૂ કરી છે. ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા કોરોનાની ચેઇનને તોડવા માટે સત્તાવાર રીતે પાંચ દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામપંચાયતના જાહેર કર્યા મુજબ ગામમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાન માત્ર સવારે 8થી 11 દરમિયાન જ ખોલી શકાશે. દવાખાના તેમજ મેડિકલ સેવા અને અતિ આવશ્યક સેવા ચાલુ રાખી શકાશે.

ટંકારાના હડમતીયા ગામે પણ કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તારીખ 9થી 14 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. અલબત્ત કરીયાણાની દુકાનો સવારે 6થી 8 અને સાંજે 6થી 7 એમ કુલ મળીને દિવસમાં 3 કલાક ખુલી રાખવાની છુટ આપી છે. આ સિવાય ગામના પાન પાર્લરો, ખાણીપીણી, ચાની દુકાનો, કેબીનો, હોટલ, શાકભાજીના ફેરિયા, હર સલુન, શેરડીના રસના ચિચોડા, તેમજ આઈસ્ક્રીમ સહિત ઠંડા પીણાંની દુકાનો 5 દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો સર્વ સહમતીથી નિર્ણય લેવાયો છે. ગામને કોરોના સંક્રમણથી બચાવવા આ સાથે જ પંચાયતના સભ્યોએ ગ્રામજનોને સાથ સહકાર આપવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના બેફામ બનેલા સંક્રમણ સામે તંત્રની અવ્યવસ્થા અવારનવાર સામે આવી રહી છે. ગઇકાલે જ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલે અવ્યવસ્થાને લઇને આકરા પાણીએ હતા તેઓએ કલેક્ટરને રીતસરના ખખડાવી નાખી વ્યવસ્થાઓ સઘન બનાવવા અનુરોધ કર્યો હતો.

કેસો છૂપાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો

કોરોના મહામારી વચ્ચે મોરબી જિલ્લાની હાલત બદતર બનતી જાય છે. એક તરફ સરકારી ચોપડે માત્ર 20 થી 25 કેસો નોંધાતા હોવાનો દાવો થાય છે, બીજી તરફ જિલ્લાના ગામડાઓમાં મોટી સંખ્યામાં સંક્રમણ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો માંદગીના બિછાને પડ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા આંકડા છુપાવવામાં આવતાં હોવાનો આક્ષેપ થઇ રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે મોરબીની આજૂબાજૂના ગામડામાં સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. કેટલાક કેસ તો રાજકોટ સુધી પહોંચી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી મોરબી જીલ્લામાં કોરોનના કેસમાં વધારો થવાની સાથોસાથ મૃત્યુના આંકડામાં પણ વધારો થયેલ હોવાનું ચર્ચાય છે. સિવિલમાંથી સ્મશાને મૃતદેહને લઈ જવામાં પણ વાઇટિંગ હોય તેવો ઘાટ છે. તંત્ર કોરોનાગ્રસ્ત દર્દીના મોતના આંકડામાં રમત કરતું હોય તેવો માહોલ છે. જિલ્લામાં વર્ષ 2019 ના મે મહિનામાં કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો ત્યારથી લઈને આજ સુધીમાં 3785 થી વધુ કોરોનના પોઝિટિવ કેસ આવ્યા હતા તે પૈકીનાં 3286 જેટલા દર્દીઓને સારવાર મળી ગયેલ હોવાથી તે કોરોના મુક્ત થયા છે અને હાલમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે જેથી લોકોની ચિંતા વધી ગયેલ છે. બીજી બાજુ સારવાર અને દવા માટે પણ લોકોને હેરાન થવું પડે છે ત્યારે લોકો સ્વયંભૂ સજાગ બને તે જરૂરી છે નહીં તો ગમે ત્યારે ગમે તે વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી શકે છે તે હકકિત છે.

ઉચ્ચ અધિકારીઓ કોરોનાની ઝપટમાં: ઈન્ચાર્જ ડીડીઓ અને આરોગ્ય અધિકારી પણ સંક્રમીત

મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કોરોના ઘર કરી ગયો હોય તેમ પહેલા ડીડીઓ, બાદમાં ડેપ્યુટી ડીડીઓ અને અન્ય ઉચ્ચ અધિકારી બાદ આજે ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ જાડેજા કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી બુધદેવ બાદ બે ડેપ્યુટી ડીડીઓ, શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, એપડમિક ઓફિસર વારેવાળીયા બાદ આજે મોરબીના આરોગ્ય અધિકારી ડો જે.એમ. કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજા પણ કોરોના સંક્રમિત બન્યા છે જેને કારણે હાલ આરોગ્ય તંત્ર નોંધારું બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.