Abtak Media Google News

મુખ્ય ન્યાયાધીશને પદભ્રષ્ટ કરવા પાંચ સભ્યોની સમિતિ બનાવાઈ : ભારે ઉહાપોહની સ્થિતિ

પાકિસ્તાનમાં અંધાધુંધી ચરમસીમાએ પહોંચી ગઈ છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. એકતરફ ઈમરાનના સમર્થકો સતત હિંસા કરી રહ્યા છે, બીજી બાજુથી પણ જવાબી કાર્યવાહી થઈ રહી છે. દરમિયાન શાહબાઝ સરકાર હવે વધુ એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનને મુક્ત કરવાનો આદેશ આપનાર ચીફ જસ્ટિસને હટાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

માહિતી મળી રહી છે કે પાકિસ્તાની સંસદમાં વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે સંસદમાં વધુ એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જે અંતર્ગત પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે. તે કમિટી ખુદ સુપ્રીમ કોર્ટના જજો સામે રેફરન્સ તૈયાર કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનમાં ચીફ જસ્ટિસને હટાવવાની તૈયારી કરવામાં આવી રહી છે કારણ કે તેમના પક્ષમાં નિર્ણય આપવામાં આવ્યો નથી.

પાકિસ્તાનની હાલની સ્થિતિની વાત કરીએ તો જમીની સ્થિતિ તંગ છે. ઘણી જગ્યાએ કલમ 144 હજુ પણ લાગુ છે, સેના પણ પર સક્રિય છે. અગાઉ એવું કહેવામાં આવતું હતું કે પાકિસ્તાનમાં ટૂંક સમયમાં કટોકટી લાદી શકાય છે, પરંતુ તે નિર્ણય થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. બીજી તરફ ઈમરાન ખાન હજુ પણ પોતાની માંગ પર અડગ છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનમાં ટૂંક સમયમાં ચૂંટણી ન થાય ત્યાં સુધી તેઓ આરામ કરવાના નથી.

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કોર્ટમાં જઈ રહેલા ઈમરાન ખાનની પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે ઈમરાન ભ્રષ્ટાચારના એક કેસમાં સુનાવણી માટે જઈ રહ્યા હતા, પરંતુ પછી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેના કારણે પાકિસ્તાનમાં હિંસા ફેલાઈ ગઈ જે હજુ પણ ચાલુ છે.  ઈમરાન ખાને તો એવો પણ આરોપ લગાવ્યો છે કે તેને લાકડીઓથી મારવામાં આવ્યો, તેઓ બેહોશ પણ થઈ ગયાં હતા. એક નિવેદનમાં તેમણે પાકિસ્તાનના આર્મી ચીફ પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.