બોર્ડર સિક્યુરિટીને લઈ પંજાબમાં કોંગ્રેસ સામે કોંગી!!!

સુરક્ષાના ભોગે રાજકારણ જરૂરી?

કેન્દ્રએ બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારો વધારતા પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ તેની સામે વિરોધ નોંધાવ્યો તો સામે કેપ્ટને નિર્ણયને સમર્થન આપ્યું

અબતક, નવી દિલ્હી

દેશના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકાર ક્ષેત્ર વધારવાનો પંજાબની કોંગ્રેસ સરકારે વિરોધ કર્યો છે. જો કે કોંગ્રેસના જ પૂર્વ મુખ્યમંત્રી અમરીંદર સિંઘે આ નિર્ણયને સમર્થન જાહેર કર્યું છે એટલે આ નિર્ણયથી પંજાબમાં કોંગ્રેસ સામે કોંગ્રેસ જેવો ઘાટ સર્જાયો છે.

કેન્દ્રએ આતંકવાદ અને સરહદ પારની ગુનાખોરી પર સકંજો કસવાના હેતુથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારો વધારી દીધા છે. બીએસએફ હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય ક્ષેત્રની અંદર 50 કિ.મી. સુધી સર્ચ ઓપરેશન કરી શકશે. એટલું જ નહીં, બીએસએફને હવે શંકાસ્પદોની ધરપકડ કરવાના તેમજ તેમની ગેરકાયદે ચીજવસ્તુઓ જપ્ત કરવાના અધિકાર પણ અપાયા છે.

પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ જેવા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રાજ્યોમાં પહેલા આ દાયરો ફક્ત 15 કિ.મી. સુધી જ હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નવા આદેશના કારણે કેટલાક રાજ્યોમાં બીએસએફનું અધિકાર ક્ષેત્ર વધ્યું છે, તો કેટલાકમાં ઘટી ગયું છે.

આ આદેશ પ્રમાણે, બીએસએફના અધિકારીઓ 10 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાજનક ગેરકાયદે ગતિવિધિ સામે કેન્દ્ર કે રાજ્ય સરકારની મંજૂરી વિના સરહદથી 50 કિ.મી. અંદર સુધી કાર્યવાહી કરી શકશે. બીએસએફના સૌથી નીચલા રેન્કના અધિકારીઓને પણ સીઆરપીસી હેઠળ મેજિસ્ટ્રેટના આદેશ કે વોરન્ટની જરૂર નહીં પડે.

આ ઉપરાંત ગુજરાતમાં બીએસએફનું અધિકાર ક્ષેત્ર 80થી ઘટાડીને 50 કિ.મી. સુધી કરાયું છે, જ્યારે રાજસ્થાનમાં બીએસએફનું અધિકાર ક્ષેત્ર 50 કિ.મી. જાળવી રખાયું છે. બીજી તરફ, પૂર્વોત્તર ભારતના પાંચ રાજ્ય મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં બીએસએફનું અધિકાર ક્ષેત્ર અમર્યાદિત હતું, જે ઘટાડીને 50 કિ.મી. સુધી કરાયું છે.

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ટ્વીટ કરી કહ્યુ- હું બીએસએફને આંતરરાષ્ટ્રીય સરહદવાળા વિસ્તારમાં વધારાનો પાવર આપવાનો વિરોધ કરુ છું. આ દેશના સંઘીય માળખા પર સીધો હુમલો છે. હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આગ્રહ કરુ છું કે તે આ નિર્ણયને તત્કાલ પરત લેવાની જાહેરાત કરે.

જો કે આ મામલે અમરીંદર સિંઘે સમર્થનભરી પ્રતિક્રિયા આપી છે. તેઓએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવ્યો છે અને દેશની સુરક્ષા માટેનો નિર્ણય ગણાવ્યો છે. આમ કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને પંજાબના મુખ્ય5 ચન્ની અને પૂર્વ મુખ્યમંત્રી અમરીંદર સિંઘ સામસામા આવી ગયા છે.