Abtak Media Google News

અદ્ભૂત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો ગોવાનો સમુદ્ર તટ અને કાંઠે જ રહેવાની સુવિધા અને દરિયામાં ન્હાવાની મોજ હતી

સામાન્ય રીતે ટ્રેનીંગ અને બંદોબસ્તનું નામ આવે એટલે પોલીસ અધિકારીઓને કીડીઓ ચડવા લાગે પ્રથમ તો મુસાફરી પછી રહેવા સુવાની સગવડ પછી જમવા ના કોઈ ઠેકાણા નહિ. જે રીતે મેળામાં ખાવા પીવામાં ‘લોટ -પાણી અને લાકડા’ જેવી સ્થિતિ હોય તેમ કોઈ શહેરમા પણ બંદોબસ્ત અગાઉ જ કાર્યક્રમ જાહેર થતો હોય ખાવા પીવામા કોઈ ઠેકાણા ના હોય વળી પહેલા એક બે દિવસ બંદોબસ્તના રહીર્સલ, તેનો કોઈ સમય જ નકકી નહિ. લગભગ પરેશાનીનો પાર નહિ.

ટ્રેનીંગમાં અને બંદોબસ્તમાં સામાન્ય રીતે લાઈટ પોલીસ સ્ટેશનો, બીન અગત્યની શાખાઓના અધિકારીઓ તેમજ જે કામચોર અને જોખમી અને બીન અગત્યના અધિકારીઆે અને ગુડબુકમાં ન હોય તેવા પોલીસ અધિકારીઓને મોકલવામાં આવે છે. બંદોબસ્તમાં રવાના થવાની છેલ્લી ઘડીએ આ પૈકીના કેટલાક અધિકારી સીક મેમો મૂકતા બીજા જે બાકી રહેલ હોય તે અધિકારીને મોકલવાનો હુકમ વાયરલેસથી થાય છે. એવું અનુભવે જણાયું છે.

કોમન વેલ્થ પરિષદનાં સંમેલનનું સ્થળ તો નવી દિલ્હી હતુ પરંતુ સંમેલનના દિવસો વચ્ચે ત્રણ દિવસની રજા હોય જેથી પરિષદના સભ્ય દેશોના વડાઓ મહેમાન નવાજી અને રજાઓ માણવા ગોવા આવવાના હતા. કોમન વેલ્થ પરિષદના સભ્ય દેશો એટલે કે અમુક વર્ષો પહેલા આઝાદી પહેલા જે દેશો રાષ્ટ્રો અંગ્રેજો (બ્રીટન)ના ગુલામ (માલીકીના) હતા તે કોમન એટલે સામાન્ય (બ્રીટન) વેલ્થ એટલે સંપતિના દેશોનું સંગઠન છે.

અગાઉ જણાવ્યા મુજબ બંદોબસ્તમાં જનાર કોઈ અધિકારી કોઈ પણ કારણસર ખડી જતા રવાના થવાના છ કલાક અગાઉ એક મહિનાના બંદોબસ્તમાં જવા ફોજદાર જયદેવને હુકમ થયો. વાયરલેસ મળતા જ જયદેવની યાદીમાં કોઈ બહાનુ કે ના હતી જ નહિ! વહેલી સવારે રાજકોટથી જીપો રવાના થવાની હતી. ચાર કલાકમાં જ જયદેવ રાજકોટ આવી ગયો. રસ્તામાં બે રાત્રી રોકાણ બાદ ત્રીજે દિવસે સાંજે મુસાફરી કરતા કરતા ગોવા પહોચ્યા.

જયદેવ માટે બીજા રાજયમાં ફરજ માટે જવાનો આ પ્રથમ પ્રસંગ હતો. ગોવામાં ગુજરાતનાં પોલીસ અધિકારીનો બંદોબસ્ત આગ્વાદ ફોર્ટ ટાઉનના વિસ્તારમાં હોટલ તાજ વિલેજ કે જેમાં આ કોમન વેલ્થ દેશોના વડાઓ રોકાવાના હતા ત્યાં હતો. આ બંદોબસ્તને હજુ ૨૫દિવસની વાર હતી હોટલ તાજ ગ્રુપ દ્વારા દરીયાના પાણીમાં જતા એક પહાડના પડખે સ્ટેપ વાઈઝ ખોદી તેના ઉપર અલગ અલગ બંગલા બનાવવાના હતા. આ કામ હજુ અડધે પહોચ્યું હતુ પરંતુ તે બંગલાઓ ઉપર આગલા દિવસથી જ શીફટ વાઈઝ બંદોબસ્ત ચાલુ થઈ ગયો હતો. ગુજરાતનાં પોલીસ અધિકારીઓ માટે આ પહાડની તળેટી અને સમુદ્ર વચ્ચેના ભાગમાં એક ટેન્ટ સીટી ઉભુ કરવામાં આવ્યું હતુ તેમાં રોકાવાનું હતુ. જે ટેન્ટ સીટીમાં હોટલની માફક જ રસોડા સહિત શોપીંગ બાર વિગેરેની સુવિધાઓ હતી.

જયદેવનો બંદોબસ્ત કેનેડાનાં પ્રાઈમ મીનીસ્ટર પેરી ટ્રુડો જે બંગલામાં રોકાવાના હતા. તેમાં હતો. જે બંગલો પહાડ ઉપર પોણા ભાગે જતા આવતો હતો સામે જ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરાગાંધી જે બંગલામાં રોકાવાના હતા તે બંગલો હતો.

એક તંબુમાં ત્રણ ત્રણ અધિકારીઓને રહેવાનું હતુ જયદેવના તંબુમાં ગોંડલના ફોજદાર ચાવડા અને પડધરીના ગોહિલ આવ્યા. ખરેખર તો બંદોબસ્તમાં ત્રાસ અને તકલીફ હોય જ તેને બદલે અહિં સંપૂર્ણ સુવિધા,એકાદ મહિનામાં છેલ્લા ત્રણ દિવસ જ શીફટ વાઈઝ સાચો બંદોબસ્ત હતો બાકી આખો દિવસ હરો ફરો અને મોજ કરો જેવી અનુકુળતા હતી વળી ગુજરાત જેવા ડ્રાઈ સ્ટેટના પોલીસ અધિકારીઓને તો ગોવામાં જલસો પડી ગયો. માગો તે બ્રાન્ડની વ્હીસ્કી, બ્રાન્ડી કે રમ, કાજુફેની (ગોવાની ખાસ આઈટમ)છૂટથી સસ્તામાં મળે અને પિવાનો વળી કોઈ પ્રતિબંધ નહિ દિવસમાં એક વખત પાંચ છ કલાક બંગલા ઉપર આંટો મારી સાંજ પડયે ગોવાના રમણીય સાગર કાંઠે ડાયરા જમાવવા ના હતા જયદેવને તો કાંઈ લેવા દેવા નહિ પરંતુ સાથે બાયેટીંગ માટેતો બેસસવાનું જ.

જયદેવ માટે સૌથી મજાની બાબત હતી ગોવાનો અદ્ભૂત પ્રાકૃતિક સૌદર્ય ધરાવતો સમુદ્રતટ ! સાગરનું પાણી સંપૂર્ણ પારદર્શક વાદળી અને પ્રમાણમાં ધણી જ ઓછી ખરાશ ધરાવતું પાણી હતુ. પહાડ અને કાંઠાની નાળીયેરીઓ જે પાણીમાં ઝૂકિ ઝૂંકિનેે જળુંબતી હોય તે મનોરમ્ય દ્રશ્યો,નવેમ્બર મહિનાનું ખૂશ્નુમા વાતાવરણ અને છીછરા સમુદ્રમાં નહાવા અને તરવાની મોજ જ અદભૂત હતી. જયદેવને વર્ષો બાદ ખૂલ્લા પાણીમાં તરવાનો મોકો મળતા બંને ટાઈમ સવાર સાંજ દરીયામાં નહાવાનો આનંદ લીધો કેમકે તંબુની સામે જ દરીયો હતો!

ઈ.સ. ૧૯૪૭ પહેલા સમગ્ર હિન્દુસ્તાન પાકિસ્તાન ઉપર બ્રીટીશરોની હકુમત હતી. પરંતુ દીવ, દમણ અને ગોવા પોર્ટુગલ શાસીત હતુ હકુમત ફીરંગીઓની હતી અંગ્રેજો તો ઈ.સ. ૧૯૪૭માં ભારતમાંથી ચાલ્યા ગયા પરંતુ ફીરંગીઓએ દીવ, દમણ અને ગોવા છોડયું નહિ. છેક ૧૯૬૧માં ભારતીય સેનાએ યુધ્ધ કરી ફીરંગીઓને ભગાડવા પડયા. પરંતુ એમ કહેવાય છે કે દમણ અને ગોવા આસાનીથી હાંસલ થયા હતા પરંતુ દીવ મોરચે ભારતીયો વધુ શહીદ થયા હતા. આજે પણ ગોવા દમણ અને દીવમાં જઈએ તો જાણે યુરોપીયન દેશમાં આવ્યા હોય તેવા બાંધકામો જોવા મળે. અહી એક એવી વાત સાંભળી કે આઝાદી પહેલા હિન્દુસ્તાનમાં અંગ્રેજો એ જે અત્યાચાર કરેલા તેના કરતા વધારે અને વધુ ખરાબ અત્યાચાર ફીરંગીઓએ ગોવામાં ધર્માંતરણ માટે કરેલા !

જયદેવ, ચાવડા અને ગોહિલે બંદોબસ્તમાં એક જ શીફટમાં નોકરી આવે તે રીતે ગોઠવણી કરી લીધી એટલે ત્રણે જણાએ સવારે સાથે જ ઉઠવાનું અને નોકરી સહિત બધી જગ્યાએ ત્રણે જણા સાથેને સાથે જયારે સવારની શીફટ હોય એટલે બપોરે આવીને જમીને ગોવાના ગમે તે ટાઉનમાં ફરવા નીકળી જવાનું.

સૌ પ્રથમ જયદેવનો કેમ્પ આગ્યાદ ફોર્ટમાં જ હતો તેથી ફીરંગીઓનો લોખંડી કીલ્લો અને મજબુત આગ્યાદ ફોર્ટ જેલ જોયા તે સમયનો સૌથી કુખ્યાત અને ભરતમાં ફીરંગીઓના શાસન દરમ્યાન દાણચોરીનો પાયો નાખનાર દમણનો રહીશ અને દાણચોરીનો પાયોનીયર નંબર વન દાણચોર જે દમણ , દુબઈ અને મુંબઈની મોનોપોલી ધરાવતો હતો તે શુકર નારાયણ બખીયાને આ જેલમાં લાંબો સમય રાખવામાં આવેલો ત્યાર બાદ ગોવાનું તે સમયનું હીપ્પીઓ (દમ મારો દમ વાળા ગંજેરીવિદેશીઓ)નો પ્રિય અંજુમન બીચ (દરીયાઈ રીઝોર્ટ) ઉપર ફર્યા. અહી એક વિદેશી હીપ્પી ભૂરડી મહિલા એક દેશી ચોરણી પહેરેલા પુરૂષના ખંભે હાથ નાખી ને ચાલી આવતી હતી.

પૂ‚ષને જયદેવે નીરખીને જોયો ચોરણો, પહેરણ ઉપર બંડી અને માથા ઉપર ફાળીયું બાંધેલું, જયદેવ આ પંચાળી પહેરવેશ ઓળખી ગયો અને પૂછયું એલા મગના કયાંનો રહીશ? અને તે સમજી ગયો. આ રીવોલ્વર વાળા સાહેબ ગુજરાતી અધિકારી છે. તે બોલ્યો ‘બાપકાંપનો’,ઝાલાવાડમાં સુરેન્દ્રનગરમાં વઢવાણ કેમ્પ સ્ટેશન હતુ. ગામડાના લોકો તેનેકાંપ કહેતા.જયદેવે પૂછયું ‘ગામનું નામ બોલ’ તે બોલ્યો ‘બાપા હરપાલજીનું શેખપર’ જયદેવ સમજી ગયો, મુળી તાલુકાનું શેખપર ગામ.આ વાઘરી લોકો કાઠીયાવાડ સૌરાષ્ટ્રમાંથી જૂના લાકડાના એન્ટીક પીસ લઈ જઈ ગોવામાં વિદેશીઓને વેચતા હોય છે. પેલી સ્ત્રીડ્રગ્ઝનીઅસરમાં હોય તેવું લાગ્યું.જયદેવને થયું ‘કયાં રાજા ભોજ અને કયાં ગંગુતેલી!’

આગ્વાદથી દસેક કિલોમીટર દૂર દરીયા કાંઠે જ ‘માપ્સા’ ટાઉન હતુ ત્રણે જણા એક દિવસ માપ્સા પહોચ્યા જયદેવે ચાવડાને કહ્યું આ માપ્સાનો રીઝોર્ટ આંતર રાષ્ટ્રીય દાણચોર અને લેડી કીલર (ખૂની) ચાર્લ્સ શોભરાજનું સૌથી મન પસંદ સ્થળ છે. આ ચાર્લ્સ જયારે મુંબઈ જેલમાંથી ભાગ્યો ત્યારે મુંબઈનાં પોલીસ ઈન્સ્પેકટર મધુકર ઝેંડેએ તેને અહીની રીઝોર્ટમાંથી પકડયો હતો. અને જયારે દિલ્હી તીહાર જેલમાંથી ભાગ્યો ત્યારે પણ આજ પોલીસ ઈન્સ્પેકટર મધુકર ઝેંડેએ તેને માપ્સાની હોટલમાંથી જ પકડેલો અને હજુ જેલમાં છે.

માપ્સાથી ગોવાની રાજધાની પણજી બે રીતે જવાય રોડ રસ્તે ફરીને અને શોર્ટકટ પેસેન્જર બોટોમાં જે બોટોમાં લોકો મોટર સાયકલો, બકરા, કુકડા, પણ સાથે લઈ જઈ શકે છે. જયદેવની કંપનીએ આ બોટનો જ લ્હાવો લીધો પણજી શહેર ફર્યા.

જયદેવ જયારે જેતપૂર સીટી પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે જેતપૂર મોટા ચોકમાં એક તપાસ દરમ્યાન ત્યાંરહેતા એક અલીભાઈ લાલાણીનો પરીચય થયેલો તેમણે કહેલ કે પોતે ગોવામાં જ બીઝનેસ કરે છે. અને જેતપૂર વારંવાર આવવાનું થાય છે. તેથી તેઓ જેતપુર આવતા ત્યારે જયદેવને અવશ્ય ચા પાણી માટે તેમના ઘેર બોલાવતા અને જયદેવ નાઈટ રાઉન્ડ દરમ્યાન અવશ્ય તેમને ત્યાં બેસવા જતો. તેમણે કહેલ કે કયારેક ગોવા આવો તો મને યાદ કરજો તેમ કહી તેમના ઘરનો ગોવાનો ટેલીફોન નંબર આપેલો તે જયદેવ પાસે હતો. જયદેવે આગ્વાદથી અલીભાઈને ફોન કર્યો અને અલીભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને સોગંદ દઈને કહ્યું જેટલા પણ મીત્રો હોય તેમને સાથે લઈ આવશો.વાસ્કોડી ગામા ટાઉનથી દબોલીયમ એરપોર્ટ રોડ ઉપર જ તેમનો મહાલશા પ્રસાદ નામનો ભવ્ય બંગલો હતો. જેમાં તે સમયે પણ હોમ થીએટર હતુ. જયદેવ, ચાવડા, અને ગોહિલ લગભગ ચાર પાંચ દિવસે ગોવામાં કયાંયફરવા નીકળ્યા હોયતો અલીભાઈને ત્યાં જતા આવતા.

આપણા ગુજરાતમાં જેમ મહેમાન આવે અને ચા-પાણી પીરસવામાં આવે તેમ ગોવામાં કોઈ ને ત્યાં મહેમાન આવે તો તેમને પૂછી તેમને મનપસંદ બ્રાન્ડનો વ્હીસ્કી, બ્રાન્ડી કે રમનો પેગ તૈયાર કરી પીરસવામાં આવેછે.

ત્યાં જાણ્યું કે અલીભાઈને ગોવામાં બોકસાઈટ માઈનીંગ લીઝ અને એક્ષ્પોર્ટનો બીઝનેસ છે. એક દિવસ જયદેવની કંપની અલીભાઈના બંગલે પહોચી તો બંગલામાં ગુજરાત પાસીંગની લાલ લેમ્પ વાળી ઘણી કારો પાર્ક થયેલી હતી.જયદેવ બોલ્યો ‘આ બંદોબસ્તમાં મોટા અધિકારીઓ પણ આવ્યા હશે તે મળવા આવ્યા લાગે છે. ચાલો પાછા આપણે તો વારંવાર આવીએજ છીએ ને તેમના કાર્યક્રમમાં ખલેલ નથી પાડવી’ આમ વાત કરતા હતા ત્યાંજ ચોકીદારે ઈન્ટરકોમથી જાણ કરી હશે તેથી અલીભાઈ બહાર આવ્યા અને બહુ ખુશીથી કહ્યું આવો આવો તમે તો આજે ‘સોનામાં સુગંધ ભેળવી દીધી’ તેમણે કાઠીયાવાડી લહેકામાં કાઠીયાવાડી આગ્રહ કર્યો.

પરંતુ જયદેવ શિસ્ત બધ્ધ વ્યકિત હતો. તે સમજતો હતો આ ગોવામાં અધિકારીઓને શરમાવા જેવું લાગે અને ચાવડાનો ભરોસો નહિ તેથી તેણે આનાકાની કરી ફરી આવીશુ તેમ કહેતા અલીભાઈ એ કહ્યું જુઓ આ અધિકારીઓ અને તમે બધા મારા માટે સરખા મહેમાન ગણાવ. તમારે અને મારે તો બે વર્ષ જૂનો જેતપૂરનો સંબંધ છે. અત્યારે પધારોજ. અત્યારે નોકરીની એટીકેટ નહિ પ્લીઝ! ત્રણે જણા હોમથીએટરમાં ગયા. પાર્ટી થંભી ગઈ હતી પરંતુ ચાવડા અને ગોહિલને પેગ પીરસાતા જ કાર્યક્રમ ચાલુ થઈ ગયો. પરંતુ જયદેવને મનમાં એથીકલી ગોહિલ અને ચાવડાની વર્તુણુંકઅંગે રંજ થયો કે તેમણે કર્યું તે બરાબર કે નહિતે નકકી કરવાની મનમાં મુંઝવણ હતી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.