સ્ટ્રોંગરૂમમાં વાઈફાઈ નેટવર્ક સક્રિય હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: છ સ્થળોએ જામર લગાવવાની માંગણી

મત ગણતરી પૂર્વે જ કોંગ્રેસે ઈવીએમ પર ફરી શંકા વ્યકત કરી: જિલ્લા કલેકટર કમ ચૂંટણી અધિકારીને આપ્યું આવેદન

મત ગણતરીના કલાકો પૂર્વે કોંગ્રેસે ફરી ઈવીએમ મશીન પર શંકા વ્યકત કરી છે. રાજકોટમાં અલગ અલગ છ સ્થળોએ જ્યાં સ્ટ્રોંગરૂમમાં મશીન રાખવામાં આવ્યા છે. ત્યાં વાઈફાઈ સીસ્ટમ સક્રિય હોવાનો આક્ષેપ કર્યો છે અને તમામ સ્થળે જામર લગાવવાની માંગણી કરવામાં આવી છે. આજે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદીની આગેવાનીમાં જિલ્લા કલેકટર કમ ચૂંટણી અધિકારીને આ અંગે આવેદન આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપ સીવાયના દેશના તમામ રાજકીય પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર અને રાષ્ટ્રપતિ સમક્ષ ઈવીએમની વિશ્ર્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા છે. ભાજપ પક્ષ સીવાયના રાજકીય પક્ષો, પ્રજા કે ઉમેદવારોને ઈવીએમ મશીન પર કોઈ જ ભરોસો રહ્યો નથી. શહેર પોલીસ અને ચૂંટણી તંત્ર જે રીતે છેલ્લા બે દિવસથી ભાજપના આગેવાનો અને નેતાઓના હુકમ મુજબ વિરોધ પક્ષના ઉમેદવારો અને કાર્યકરોને દબાવવાની કોશીષ કરી હતી. ગઈકાલે પણ ઘણા પોલીંગ ઓફિસરોએ ભાજપના કાર્યકરો જેમ વર્તયા હતા. આવામાં ચૂંટણી વિભાગ પર ભરોષો કરી શકાય તેમ નથી. બંધારણ અને પ્રજામતને વફાદાર રહેવા કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી અધિકારીને અપીલ કરી છે. સાથો સાથ એવો પણ આક્ષેપ લગાવ્યો કે જ્યાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે ત્યાં અનેક પ્રકારના શંકાસ્પદ વાઈફાઈ નેટવર્ક સક્રિય હાલતમાં જોવા મળ્યા છે જેથી આ તમામ છ સ્થળો પર તાત્કાલીક જામર લગાવવામાં આવે અને જ્યાં સુધી મત ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જામર રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ થોડા કલાકો પૂર્વે કોંગ્રેસે ઈવીએમ સામે શંકા ઉભી કરી છે.