Abtak Media Google News

રામધૂન બોલાવી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા કરી બુલંદ માંગ

અબતક,

જીજ્ઞેશ પટેલ, માણાવદર

વંથલી શહેર  અને તાલુકાની સરકારી જમીન પર જુનાગઢ જીલ્લા પંચાયત પ્રમુખ પતિ અને ભાજપ આગેવાન દિનેશ ખાટારીયા દ્વારા કબજો કરી હડપ કરી લેવાની મેલી મુરાદનાં પગલે વંથલી કોંગ્રેસ દ્વારા ગુજરાત નાં રાજ્યપાલ ને સંબોધી વંથલી મામલતદાર ને આવેદન પત્ર આપી ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો. સમગ્ર મુદ્દે વધુ વાત કરીએ તો વંથલી શહેરની મધ્યમાં સુરજકુંડ રોડ પર આવેલી પી.ડબલ્યુ. ડી. હસ્તકની સરકારી જમીન પર દિનેશ ખાટારીયા દ્વારા ત્રણ માળનું મકાનનું બાંધકામ કરી પોતાની ઓફીસ બનાવવામાં આવી છે. તેમજ વંથલી શહેર નાં બસ સ્ટેશન નજીક બેંક ઓફ બરોડા ની સામે સાર્વજનિક પ્લોટ પર કબજો કરી પોતાની મુરલીધર સેવા સહકારી મંડળીનાં નામે ઠરાવ કરી હડપ કરી લેવાની પેરવી ચાલી રહી છે. તેમજ વંથલી માણાવદર રોડ પર સરકારી પડતર જમીન પર દિનેશ ખાટારીયા દ્વારા પેવીંગ બ્લોક નું કારખાનું ગેરકાયદેસર રીતે શરુ કરી દેવામાં આવ્યુ છે અને આવી પેશકદમીની જમીન પર સત્તાના જોરે વીજ કનેક્શન પણ લઇ લેવામાં આવ્યું છે. આ બાબતે હાલ જ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ મુદ્દે જુનાગઢ જીલ્લા પંચાયતનાં વિરોધ પક્ષનાં નેતા હમીર ધૂળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ સામાન્ય સભામાં સદસ્ય ન હોય તેવા લોકો દ્વારા બળજબરી થી આવા ઠરાવો કરાવવામાં આવ્યા હતા. અને ડી.ડી.ઓ. જુનાગઢ પણ આ સમગ્ર મુદ્દે આંખ આડા કાન કરી મુક પ્રેક્ષક બની જોઈ રહ્યા હતા. આ સમગ્ર મુદ્દે આજરોજ માણાવદર વિધાનસભાના પ્રભારી હરિભાઈ કણસાગરા, જુનાગઢ જીલ્લા કોંગ્રેસ નાં મહામંત્રી વી.ટી.સીડા, વંથલી તાલુકા પ્રમુખ મનસુખ પાડલીયા, વંથલી શહેર પ્રમુખ ઈરફાન શાહ તેમજ અનેક કોંગ્રેસી આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી, મામલતદાર કચેરી સામે રામધુન બોલાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.