Abtak Media Google News

ટ્રાફિક વ્યવસ્થાને લઈને ભાજપ પર આકરા વાકપ્રહારો કરતા ઝાલા, તલાટીયા, રાઠોડ, ભરવાડ, પટેલ

રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. ગઈકાલે રૈયા રોડ ટેલિફોન એક્સચેન્જ પાસે ટ્રાફિક સિગ્નલ બાઈક પર સાઇડ માં ઉભેલ ટુ વ્હીલર ને તોતીંગ ટ્રકે પાછળથી બાઇકને ઠોકરે લેતા અને બાઇક ફંગોળાતા મંગેતર ની નજર સામે જ વાગ્દત્તા દ્રષ્ટિ બકુલભાઈ પરમાર (ઉ.વ. 23) મોત નીપજ્યું હતું. પ્રાણઘાતક અકસ્માતના બનાવો ઘટયા હોવાના પોલીસના દાવા પોકળ છે.

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે પડી છે. ઓવરબ્રિજ, અંડર બ્રિજ બીજના ચાલી રહેલા કામો ને પગલે ડાયવર્ઝનના કારણે વધુ અકસ્માતો થાય અને કોઈનો લાડકવાયો કે કંધોતર છિનવાય જાય એ પહેલા પોલીસ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી અને ટ્રાફિકના મુદ્દે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવે એવી કોંગ્રેસના અને લોક સંસદ વિચાર મંચના આગેવાનોએ માંગ ઉઠાવી છે.શહેરમાં જાંબાઝ પોલીસ કમિશનર સુધીર સિન્હા ના સમયથી લાંબા સમયથી ટ્રક, ટ્રેક્ટર્સ, મેટાડોર, ખાનગી બસો, ડમ્પરો સહિતના ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આ પ્રકારના વાહનો માતેલા સાંઢની જેમ ફરતા જોવા મળે છે. રેઢિયાળ ભાજપના વહીવટનો શ્રેષ્ઠ નમુનો, ભારે વાહનો બેરોકટોક ફરે : નિર્ભર તંત્ર પણ કુંભકર્ણ નિંદ્રામાં ભારે વાહનોના પગલે શહેરીજનોના જિંદગી પર વખતો-વખત કાળ બનીને ત્રાટકી રહ્યા છે.

જે રાજકોટ શહેરની ભર ઊંઘમાં રહેલી ટ્રાફિક પોલીસ ના રેકોર્ડ ઉપર પણ મોજુદ છે. રાજકોટમાં ઘરે થી નીકળેલ માણસ ફરી ઘેર પહોંચશે કે કેમ તેની ખાતરી નથી. શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની સંખ્યામાં છેલ્લા દસકામાં તોતિંગ વધારો થયો છે. શહેરમાં સાંકડા રસ્તા અને એ રસ્તા પરના બેફામ દબાણમાં પોલીસ અને મહાનગરપાલિકાના ધૃતરાષ્ટ્રોને પગલે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. અને વધુ ને વધુ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. સૌરાષ્ટ્ર ના મુખ્ય શહેરો ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં જ્યાં ભારે વાહનોને શહેરમાં પ્રતિબંધ છે ત્યાં કડકાઈથી અમલવારી થાય છે.

પરંતુ રાજકોટ શહેર પોલીસની તીસરી આંખ ને મોતીયો આવી ગયો હોય કે પોલીસની હપ્તા ખોરી અને લાંચિયા વૃત્તિને પગલે કડકાઈથી અમલવારી થઇ શકતી નથી અને આવા ભારે વાહનો માં ગુજરાત બહારની ગાડીઓ ની પાછળ પોલીસની પીસીઆર વાન દોડાવી ’ગાંધીછાપ’ લેવામાં આવે છે. જાહેરનામાનો ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવતો નથી અને પોલીસ કમિશનરનું ભારે વાહનો નું જાહેરનામું સૂરસૂરિયું થઈ ગયું છે જે પગલે શહેરીજનો પર આવા ભારે વાહનો મોતની લટકતી તલવાર સમાન છે.

ટ્રાફિક કોન્સ્ટેબલે અને ટ્રાફિક વોર્ડન ટ્રાફિક સિગ્નલ પર બરાબર નજર રાખે તે પણ જરૂરી છે. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસમેનોને અને વોર્ડનોને સમયાંતરે બિરદાવવા જોઈએ અને ડાન્ડ કર્મીઓને ફિલ્ડ વર્ક ને બદલે ઓફિસ વર્કમા ધકેલવા જોઈએ તેમ અંતમાં ઝાલા, તલાટીયા, રાઠોડ, ભરવાડ અને પટેલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.