Abtak Media Google News

નબળી નેતાગીરી, લોકસંપર્કનો અભાવ, મોટા નેતા-સંનિષ્ઠ કાર્યકરોની કમી દેખાઇ

જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં લોકો અને કાર્યકરોમાં કોઈ આશ્ચર્ય થયું નથી. કારણ કે, કોંગ્રેસ પહેલેથી જ નબળી દેખાતી હતી, કાર્યકરો અને નેતાઓનો અભાવ કોંગ્રેસની વધારે ઘોર ખોદી નાખી હતી જે કોંગ્રેસને પાંચ વર્ષ પહેલા જામનગર જિલ્લાના લોકોએ ખોબલે-ખોબલે મતો આપીને ભવ્ય વિજય અપાવ્યો હતો. તેને આ વખતે સિંગલ ડિઝિટમાં સમેટીને તેનું સ્થાન દેખાડી દીધુ હતું.

જામનગર જિલ્લા પંચાયતમાં વર્ષ 2016માં કોંગ્રેસે જામનગર જિલ્લા પંચાયત તેમજ 6 તાલુકા પંચાયતો કબજે કરીને સોંપો પાડી દીધો હતો જે ભાજપનું નામુ નખાઈ ગયું હતું તે પાંચ વર્ષમાં મજબૂત બનીને સામે આવી. કોંગ્રેસને પાંચ વર્ષ પહેલે જ્યાં જિલ્લા પંચાયતમાં 17 સીટો મળી હતી તો આ વખતે ફક્ત 5 સીટો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારના મૂળમાં સન્નિષ્ઠ કાર્યકરોની કમી તેમજ નબળી નેતાગીરી અને લોકપ્રિય ચહેરાનો અભાવ ગણવામાં આવી રહ્યો છે.

એક બાજુ ભાજપે જ્યાં પોતાના મોટા નેતાઓ અને સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે કોંગ્રેસ કોઈપણ નેતાને જામનગર જિલ્લામાં લઈ આવી શકે તેવી સ્થિતિમાં ન હતી. એક માત્ર હાર્દિક પટેલ જે પણ મોટો નેતા ગણી ન શકાય તે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આંટો મારીને જતો રહ્યો હતો. કોંગ્રેસનો લોકો સાથેનો સીધા સંપર્કનો અભાવ, કાર્યકરોની કમી, નબળી નેતાગીરી વગેરેને કારણે હાર ભોગવવી પડી જેના માટે લોકોને કોઈ ખાસ આશ્ચર્ય થયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.