કોંગ્રેસ હવે વિપક્ષની ભૂમિકામાં આવ્યું!!!

કોઈ પણ દેશમાં વિપક્ષ મજબૂત હોવો એ લોકશાહી માટે જરૂરી છે. કારણકે વિપક્ષ વગરનું એક તરફી સાશન લોકશાહીના મૂલ્યોનું જતન કરવા સક્ષમ નથી. માટે વિપક્ષની મજબૂતાઈ દેશ માટે હિતકારક રહે છે. ત્યારે વર્ષોથી વિપક્ષમાં રહેલી કોંગ્રેસ પાર્ટી હવે ખરેખર વિપક્ષના સાચા રોલમાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

કોંગ્રેસ પાર્ટીએ  મોંઘવારી, બેરોજગારી અને અન્ય મુદ્દાઓને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું છે. દરમિયાન, ગુરુવારે રાતથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ એઆઈસીસી મુખ્યાલયમાં મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા હતા.  સાથે જ ચોમાસુ સત્રમાં પણ કોંગ્રેસ સતત સરકારને ઘેરી રહી છે.

અગ્નિપથ યોજના, વધતી જતી મોંઘવારી, બેરોજગારી, વધતી જતી જીએસટી અને સેનામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમના વિરોધમાં કોંગ્રેસનો વિરોધ, સરકાર તેના પર કોઈ રાહત નહીં આપે ત્યાં સુધી સત્યાગ્રહ ચાલુ રહેશે તેવું કોંગ્રેસ કહી રહી છે.

કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાનના આવાસનો પણ ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જો કે પોલીસે આવું થતા રોકવા માટે અનેક કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પણ સમાવેશ થાય છે.

બીજી બાજુ કોંગ્રેસે સંસદમાં પણ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. અત્યાર સુધી કોંગ્રેસ વિરોધ તો નોંધાવતી હતી. પણ તે માત્ર હાજરી પુરાવા ખાતર જ વિરોધ થતો હોય તેવું લાગી રહ્યું હતું. પણ હવે કોંગ્રેસ જાણે ફૂલ ફોર્મમાં કરો યા મરોની સ્થિતિમાં આવી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

બીજી તરફ દેશમાં આમ આદમી પાર્ટીનું પણ કદ વધતું જઈ રહ્યું છે. આપનું વધતું કદ ભાજપ માટે જેટલુ નુકસાનકારક છે તેનાથી વધુ કોંગ્રેસ માટે નુકસાનકારક છે. એટલે હવે કોંગ્રેસ પોતાના અસ્તિત્વને બચાવવા માટે જ જંગ છેડી રહી હોય બમણા જોશથી સાચા વિપક્ષની ભૂમિકામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

]