Abtak Media Google News

ટપોટપ રાજીનામા પડતા હાઈ કમાન્ડના ગુજરાતમાં ધામા: ડેમેજ કંટ્રોલ માટે હવાતીયા: ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમાર, વાંસદાના છનાભાઈ ચૌધરી અને બાલાસીનોરના માનસિંહ ચૌહાણે કોંગ્રેસ સાથે છેડો ફાડયો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ જ રાજકારણમાં ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે. કોંગ્રેસમાં ૨૦ વર્ષ રહ્યાં બાદ શંકરસિંહ વાઘેલાએ રાજીનામુ આપતા હવે કોંગ્રેસી ધારાસભ્યોના ટપોટપ રાજીનામા પડી રહ્યાં છે. જેના કારણે ગુજરાતની વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસમાંથી ગઈકાલે બાપુના વેવાઈ બળવંતસિંહ રાજપૂત, ડો.તેજશ્રીબેન પટેલ, પી.આઈ.પટેલ જેવા દિગ્ગજ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આ રણનીતિથી હવે અહેમદ પટેલને સંસદમાં પ્રવેશવા ન દેવા માટે તખ્તો ઘડાઈ ચૂકયો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દરેક ધારાસભ્યએ રાજીનામુ આપી કોંગ્રેસ પ્રત્યે અસંતોષ વ્યકત કરતા એક વસ્તુ સાફ બની છે કે, કોંગ્રેસમાં આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે કે, બે-બે દાયકાથી કોંગ્રેસ સાથે રહેલા ધારાસભ્યો પણ હવે પક્ષમાં ગુંગળામણ અનુભવી રહ્યાં છે.બળવંતસિંહ રાજપૂત, તેજશ્રી પટેલ, પી.આઈ.પટેલના રાજીનામા બાદ આજે વધુ ત્રણ દિગ્ગજ નેતાઓએ રાજીનામા આપ્યા છે જેમાં વાસદાના છનાભાઈ ચૌધરી, બાલાસીનોરના માનસિંહ ચૌહાણ, ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારનો સમાવેશ થાય છે. કોંગ્રેસને તેના પોતાના જ લોકો ખોંખલું બનાવી રહ્યાં હોવાનું અગાઉ પણ બહાર આવ્યું છે અને હવે અસંતોષનો આ પરપોટો સપાટી ઉપર આવ્યો છે. કયાંક કોંગ્રેસની નિર્ણય શક્તિનો અભાવ પણ આ અસંતોષનું મુખ્ય કારણ બની રહ્યો છે.સંસદીય બાબતોના જાણકારોનું કહેવું છે કે, ગુજરાત વિધાનસભાનું સંખ્યાબળ ૧૮૨નું છે. ભાજપ એક અપક્ષ સાથે ૧૨૧ સભ્યો ધરાવે છે જયારે કોંગ્રેસ પાસે ગુ‚વાર સુધી ૫૭ ધારાસભ્યો હતા જેમાંથી હવે ૬ના રાજીનામા પડતા સંખ્યા ઘટીને ૫૧ થઈ છે. સંખ્યા દ્રષ્ટીએ જોઈએ તો ભાજપને ત્રીજા ઉમેદવાર માટે ૨૦ મતોની જ‚ર પડે છે. આ મત માટે એનસીપી અને કોંગ્રેસના નેતાઓને તોડવાનો તખતો તૈયાર થઈ ચૂકયો છે. રાઘવજી પટેલે તો એમ પણ કહ્યું છે કે, ૨૦ જેટલા કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામુ આપીને ભાજપમાં જોડાય શકે તેમ છે.આ સંજોગોમાં કોંગ્રેસે અહેમદ પટેલને જીતાડવા માટે ભારે કવાયત હાથ ધરવી પડશે. વધુમાં એવો માહોલ ઉભો થયો છે કે કોંગ્રેસના ધારાસભ્યો અંદરો-અંદર પણ શંકા-કુશંકાઓ કરી રહ્યાં છે. કોંગ્રેસનું હાઈકમાન્ડ ધારાસભ્યોની રજૂઆતો સાંભળતુ ન હોવાના અવાર-નવાર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમ છતાં આ આક્ષેપોને ધ્યાને લેવામાં આવ્યા ન હોવાથી આ વિખવાદ બહાર આવી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસનું કહેવાનું છે કે, ગુજરાતમાંથી કોંગ્રેસને તોડી પાડવા માટે ભાજપે રાજકારણનો ગંદો ઉપયોગ શ‚ કર્યો છે પરંતુ કોંગ્રેસ હંમેશા એક જ રહેશે.૨૪ કલાકની અંદર છ-છ ધારાસભ્યોના રાજીનામા પડી જતા કોંગ્રેસી હાઈ કમાન્ડે ગુજરાતમાં ધામા નાખ્યા છે. પ્રભારી સહિત વધુ બે કોંગ્રેસી આગેવાનો ગુજરાત આવીને કમાન સંભાળવાના છે. બીજી તરફ રાઘવજીના નિવાસ સ્થાને બાપુના સમર્થકોની બેઠક શ‚ થઈ હતી. જેમાં મહેન્દ્રસિંહ વાઘેલાએ બળવાખોર નેતાઓની ભાગદોડ સંભાળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આ ઉથલ-પાથલથી વિધાનસભા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના મનોબળને ભારે અસર થવાની છે અને બહુ મોટું મુલ્ય કોંગ્રેસને ચૂકવવું પડશે.વધુ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ન જોડાય તે માટે કોંગ્રેસી હાઈ કમાન્ડે હવાતીયા પણ શ‚ કર્યા છે પરંતુ શંકરસિંહ વાઘેલાના રાજીનામાથી કોંગ્રેસમાં શ‚ થયેલી આ ઉથલ-પાથલ કેટલા રાજીનામા બાદ અટકશે તે જોવાનું રહ્યું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.