Abtak Media Google News

ભાજપ સરકાર શરાબ-લઠ્ઠાકાંડને કેમીકલ કાંડ બતાવી પોતાના કારખાના પર પડદો પાડવાના પ્રયાસ કરી રહી છે: મનિષ દોશી

બોટાદ ખાતે લઠ્ઠાકાંડ-ઝેરી શરાબને કારણે સરકાર મુજબ 42 થી વધુ મોત જ્યારે વાસ્તવિક રીતે 70 જેટલી માનવ જીંદગી હોમાઈ હોવાનું જાણવા મળે છે. ભાજપ સરકાર-પોલીસ તંત્રની નિષ્ક્રીયતા-હપ્તારાજના કારણે સર્જાયેલ લઠ્ઠાકાંડ-હત્યાકાંડના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા તથા વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યો, પ્રદેશ પદાધિકારીઓ જોડાયા હતા.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમીકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં વર્ષ 2009માં પણ થયેલા લઠ્ઠાકાંડમાં 146 લોકોના મોત થયા હતા અને 541 લોકો અસરગ્રસ્ત થયા હતા. જેમાં કેટલાય નાગરિકોએ પોતાની આંખો સહિતના અંગો ગુમાવ્યા હતા.

2009ના લઠ્ઠાકાંડ બાદ રચાયેલા જસ્ટિસ મહેતા કમીશને ભાજપ સરકારને ફટકાર લગાવી હતી, કમિશનની ભલામણોને લાગુ કરવામાં ન આવતાં ફરી એક વખત ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો. 42 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કેમીકલ કાંડની વાતો કરતી ભાજપ સરકાર મિથેનોલ-કેમીકલના એકઝાઈઝના કર્મચારીઓ પર કાર્યવાહી કેમ નથી કરતી ? એક તરફ ગૃહમંત્રી-રાજ્ય સરકાર વારંવાર લઠ્ઠાકાંડને મિથેનોલ-કેમીકલકાંડ ગણાવે છે તો પ્રોહીબીશનની કલમનો એફ.આઈ.આર.માં કેમ લગાવવામાં આવી ?

બોટાદમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના માનવસર્જીત ઘટના છે અને ભાજપ સરકાર જવાબદાર છે. પ્રોહીબીશન – એક્સાઈઝ અધિકારીઓ અને સરકારના આર્શિવાદથી મિથેનોલ, સહિતના ઝેરી દ્રવ્યોનો ગેરકાયદેસર કરોડો રૂપિયાની હેરફેર-વેપલો ચાલી રહ્યો છે. ભાજપ સરકારમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે તે ફરી સાબિત થયું છે. વર્ષ 2009માં સ્પષ્ટ ભલામણો છતાં જસ્ટીસ મહેતા કમીશનની ભલામણોને સરકારે ગંભિરતાથી કેમ ન લીધી ?

સુરતમાં લઠ્ઠાકાંડ, અમદાવાદના 2009નો લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓથી ભાજપ સરકારે કોઈ શીખ ન લીધી જેના પરિણામે બોટાદમાં 42 થી વધુ જીંદગીઓ હોમાઈ ગઈ. ભાજપના મળતિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતને લીધે ગુજરાતના નાગરિકો ભોગ બની રહ્યાં છે. જવાબદાર એક્સાઈઝ અધિકારી – વીઝલન્સ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી ? ભાજપ સરકાર જવાબ આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.