Abtak Media Google News

સરકાર સામે અવાજ ઉઠાવી રહેલા આંદોલનકારીઓના રહેવા માટે કોંગી ધારાસભ્યોનાં એમએલએ કવાટર્સમાં સુવિધા

27 વર્ષ બાદ ફરી ગુજરાતમાં પંજાની પકકડને મજબૂત  બનાવવા માટે કોંગ્રેસે આ વખતેગંભીરતાથી તૈયારીઓ આરંભી છે.ગઈકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કારોબારી બેઠક મળી હતી. જેમાં વિવિધ ઠરાવો  પસાર કરવામાં આવ્યા હતા.

ગુજરાત વિધાનસભાની આગામી  ચૂંટણીમાં 125 બેઠકના વિજય સંકલ્પ સાથે   કોંગ્રેસની ‘પ્રદેશ કારોબારી’ બેઠક  પ્રમુખ જગદીશ ઠાકોર અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.  ગુજરાત પ્રદેશ સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષા  શ્રીમતિ સોનિયા ગાંધીજીને સત્તા આપતો ઠરાવ સર્વાનુમત્તે થયો હતો. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા એ આદરણીય સોનિયા ગાંધીજીને સત્તા આપતો પ્રસ્તાવ પ્રદેશ કારોબારીમાં મુક્યો હતો, જે પ્રસ્તાવને સમર્થન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી,  અર્જુનભાઈ મોઢવાડીયા અને  સિધ્ધાર્થ પટેલે કર્યું હતું.   પ્રદેશ કારોબારીની બેઠકમાં   ઠરાવને અનુમોદન આપ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ સંગઠનની ચૂંટણીના પી.આર.ઓ.  શોભા ઓઝાજી, શ્રી શાકીર સદાનીની ઉપસ્થિતીમાં સર્વાનુમત્તે પસાર થયેલ ઠરાવ સુપ્રત કરાયો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને ભારતના ભવિષ્ય અને યુવાનોના અવાજ એવા   રાહુલ ગાંધીજીને બનાવવાની માંગ કરાઈ હતી.

મોંઘવારી, બેરોજગારી, અણઘડ વહિવટ, ભ્રષ્ટાચાર, ખાડે ગયેલ અર્થવ્યવસ્થા, ગુજરાતમાં ચાલી રહેલા જુદા જુદા આંદોલનો સહિતના મુદ્દાઓને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષ આગામી દિવાળી સુધીના તમામ કાર્યક્રમોનું આયોજન નક્કી કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનજન સુધી મોંઘવારી, બેરોજગારી સહિતની નાગરિકોને પરેશાન કરતી મુશ્કેલીઓ તેમજ  રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલી જનલક્ષી આઠ વચનો વિશેની વિગતો આપતી ‘નાગરિક અધિકાર પત્રિકા’ નું તાલુકા દીઠ – બુથ દીઠ વિતરણ પ્રદેશ કાર્યાલયથી કરવામાં આવ્યું હતું. ગુજરાતના તમામ 52000 થી વધુ બુથો ઉપર એક સાથે કામગીરી શરૂ કરાશે. સાથોસાથ વિશાળ જનસંપર્ક માટે દરેક તાલુકાઓમાં 75 બાઈક સાથેની યાત્રાઓની તારીખો નક્કી કરાશે. માતાજીને આરાધના કરવાનું  પાવનપર્વ નવરાત્રીના 9 દિવસ દરમ્યાન પણ જુદા જુદા કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.

ગુજરાતમાં ચાલી રહેલા નિવૃત્ત સૈનિકોનું આંદોલન, આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, સરકારના જુદા જુદા વિભાગના કર્મચારીઓનું આંદોલન, આંગણવાડીની આશા વર્કરો, ફિક્સ પગાર – આઉટ સોર્સીંગના કર્મચારીઓ, બેરોજગાર યુવાનો, માલધારી સમાજ, ખેડૂતો સહિતના જુદા જુદા આંદોલનોમાં સમગ્ર ગુજરાતમાંથી ગાંધીનગર આવતા આંદોલનકારીઓ – આગેવાનોને રહેવા માટે સુવિધા આપવા કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્ય ઓના નિવાસ સ્થાન ‘એમ.એલ.એ. ક્વાટર્સ’ ઉપલબ્ધ કરાશે. પોતાના યોગ્ય માંગણીઓ, હક્ક – અધિકાર માટે સંઘર્ષ કરતા ગુજરાતના તમામ લોકો સાથે કોંગ્રેસ પક્ષ સાથે રહ્યો છે અને રહેશે. કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને સામાજિક સુરક્ષા માટે ‘જુની પેન્શન યોજના’ સંપૂર્ણ પણે લાગુ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.