Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસે ચૂંટણીમાં ફતેહ હાંસલ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જે સંદર્ભે પ્રદેશના ટોચના નેતાઓએ ખાસ બેઠક યોજી વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપ તૈયાર કર્યો છે. જેમાં કોંગ્રેસે કોરોનાના ભોગ બનેલાની ભાળ લેવાનું નક્કી કર્યું છે. જેના પગલે બુંદ સે ગઈ હોઝ સે નહિ આતી તેવો ઘાટ સર્જાયો છે.

બુંદ સે ગઈ હોજ સે નહિ આતી!!

લોકસંપર્ક કેળવવાના ભાગરૂપે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને કોંગી નેતાઓ રૂબરૂ મળવા જશે

વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયાર કર્યો રોડ મેપ: પ્રદેશના ટોચના નેતાએ ખાસ બેઠક યોજી વ્યૂહરચના ઘડી

રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે જેને ધ્યાને લઈ ગુજરાત કોંગ્રેસને હવે એક્શન મોડમાં આવી ગઈ છે. પ્રદેશ નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયાએ ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રજાને રીઝવવાના તમામ પાસાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક બાદ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને ગેરવહીવટનો પર્દાફાશ કરવા માટે પાર્ટી એક વિશાળ જાહેર પહોંચવાનો કાર્યક્રમ શરૂ કરશે.  ચાવડાએ કહ્યું કે, અમે 2022ની વિધાનસભાની ચૂંટણી માટે રોડ મેપ તૈયાર કર્યો છે. અમે પાર્ટી હાઇ કમાન્ડ સાથે પણ સંપર્કમાં છીએ અને નિયમિત ચર્ચા કરીશું.

ગુજરાત કોંગ્રેસે આગામી ચૂંટણી માટે રાજકીય રોડ મેપ તૈયાર કરનાર પ્રશાંત કિશોરને ખેંચવાનું આયોજન હાથ ધર્યા છે. તેવા અહેવાલોના જવાબમાં ચાવડાએ કહ્યું હતું કે પ્રશાંત કિશોરને સામેલ કરવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ લેશે. ચૂંટણી પહેલા લોક સંપર્ક કેળવવાના ભાગ રૂપે, પક્ષના નેતાઓ કોરોનાવાયરસ ચેપથી મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને વ્યક્તિગત રૂપે મળશે, એમ તેઓએ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું કે અમે આવા લોકોને મળીશું અને પરિવારોને 4 લાખ રૂપિયા વળતર આપવા સરકાર ઉપર દબાણ લાવીશું.  ચાવડાએ કહ્યું કે અમે લોકોના રોષ અને ચિંતાઓને અવાજ આપવા વિવિધ કાર્યક્રમો યોજવા વિશે વિસ્તૃત ચર્ચા કરી છે.આ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. લોકો તેમના ગેરવહીવટને કારણે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. વિવિધ સામાજિક સંસ્થાઓ અને સમુદાયો પણ ઇચ્છે છે કે લોકોના મુદ્દાઓ કોંગ્રેસ ઉઠાવે.ઉલ્લેખનીય છે કે, સત્તાધારી ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેના ધારાસભ્યોની બેઠક બોલાવ્યાના એક દિવસ બાદ કોંગ્રેસ દ્વારા પણ બેઠક બોલાવવામાં આવી હતી.

દર્દીઓ જ્યારે કોરોનામાં કણસતા હતા ત્યારે કોંગ્રેસ ગાયબ રહ્યું, હવે તેમના મોત બાદ સામે આવશે!!

ચૂંટણીમાં લોકસંપર્કના ભાગરૂપે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોની મુલાકાત લેવાનો કોંગ્રેસે નિર્ણય લીધો છે. ત્યારે હવે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. કે કોરોના કાળમાં જ્યારે દર્દીઓ કોરોનાથી કણસી રહ્યા હતા. ત્યારે અવાજ ઉઠાવનાર કોઈ ન હતું. કોંગ્રેસ તે સમયે ગાયબ જ થઈ ગઈ હતી. હવે જ્યારે પરિસ્થિતિ સારી થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ આ દર્દીઓના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને રૂબરૂ મળવા આવી રહી છે. એવો પણ મુદો ચર્ચાઈ રહ્યો છે કે પ્રજા બધું ભૂલી શકે છે. પણ પરિવારના સભ્યનું મૃત્યુ ક્યારેય ન ભૂલી શકે, માટે જેમના પરિવારમાં કોરોનાથી મૃત્યુ થયું છે તેવા લોકોને જો કોંગ્રેસ મળશે તો તેઓ કોંગ્રેસ તરફ ખેંચાશે તે વાત કોંગ્રેસ બરાબર રીતે જાણતું હોય એટલા માટે આવો વ્યૂહ ઘડવામાં આવ્યો છે.

પ્રશાંત કિશોર હવે ગુજરાત કોંગ્રેસ માટે ચૂંટણી રણનીતિ ઘડે તેવી શકયતા

ચૂંટણીની રણનીતિ ઘડવામાં માહેર એવા પ્રશાંત કિશોર હવે ગુજરાત કોંગ્રેસની ય કમાન સંભાળી શકે છે. મૃતપ્રાય બનેલી ગુજરાત કોંગ્રેસને પુન: બેઠી કરવા અને વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરી શકે તે માટે હાઇકમાન્ડ પ્રશાંત કિશોરની મદદ લેવા વિચારી રહી છે.  આગામી દિવસોમાં પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના રણનીતિકાર બનશે તેવી શકયતા સેવાઇ રહી છે. છેલ્લા કેટલાંય વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીઓ જીતી શકી નથી. ભાજપનું એકહથ્થુ શાસન છે. પ્રશાંત કિશોરની ટીમ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે તે માટે રણનીતિ ઘડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.