Abtak Media Google News

૧૭ જિલ્લાના ચૂંટણી પરિણામો અંગે સમીક્ષા કરાશે: કોંગ્રેસના નવનિયુકત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી નવા ધારાસભ્યોને મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસની બેઠકમાં ચોકકસ વધારો થયો છે પરંતુ સત્તા હાંસિલ કરવામાં પંજો નિષ્ફળ રહ્યો છે ત્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા પરાજયની સમીક્ષા કરવા માટે આજથી મહેસાણા ખાતે કોંગ્રેસની સમીક્ષા બેઠકનો પ્રારંભ થઈ ચૂકયો છે. ત્રણ દિવસથી ચાલનારી આ બેઠકમાં ૧૭ જિલ્લાના પરીણામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

મહેસાણા સ્થિત હોટલ સેફરોની ખાતે આજે સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અશોક ગેહલોતની ઉપસ્થિતિમાં કોંગ્રેસની ચિંતન બેઠકનો આરંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ બેઠકના અંતિમ દિવસે કોંગ્રેસના નવનિયુકત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા કોંગ્રેસના ધારાસભ્યોને મળશે અને તેઓને વિસ્તૃત માર્ગદર્શન આપશે. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શનમાં ઘણો જ સુધારો થયો છે. ગત ચૂંટણી કરતા આ વખતે ૧૬ બેઠકો પણ વધી છે. જોકે કોંગ્રેસ ૨૨ વર્ષ બાદ પણ ગુજરાતમાં સતા હાંસલ કરવાથી વંચિત રહ્યું છે.

રાજયના ૧૬ જિલ્લામાં કોંગ્રેસનું પ્રદર્શન સંતોષકારક રહ્યું છે. જયારે ૧૭ જિલ્લામાં પંજાનું પ્રદર્શન એવરેજ રહ્યું છે.

મહેસાણા ખાતે આજથી થયેલ ચિંતન બેઠકમાં ચૂંટણીના પરિણામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને આગામી દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસ એક મજબુત વિપક્ષ તરીકે કઈ રીતે ઉભરી આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.