Abtak Media Google News

પુત્રી ગેરહાજર રહેતા પિતાના ભાવિ રાજકારણ ઉપર પ્રશ્નાર્થ મુકાયું વિજેતા હોદેદારોનું ઢોલ-નગારા ફટાકડા ફોડી વિજય સરઘસ નીકળ્યું

ઉપલેટા તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાર ચડાઉ ઉતાર વચ્ચે ગઇકાલે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના એક મહિલા સભ્ય ગેરહાજર રહી તાલુકા પંચાયતની બાગડોળ ભાજપને સોંપી દેતા કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો હતો. કોંગ્રેસના મહિલા રાજય ગેરહાજર રહી પિતાના ભાવિ રાજકારણ ઉપર પ્રશ્ર્નાર્થ મૂકી દેતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઇ હતી. તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી તાલુકાના સભાખંડમા ચુંટણી અધિકારી મિયાણી, મામલતદાર ગોવિંદભાઇ મહાવદિયા, તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં યોજાતા પંચાયતના 18 સભ્યોમાંથી 17 સભ્યો હાજર રહ્યા હતા. જયારે કોંગ્રેસના ડુમિયાણી બેઠક ઉપરથી ચુંટાયેલા ગઢાળા ગામ પંચાયતના સરપંચ નારણભાઇ આહિરની દિકરી અંજમાબેન ઉટડીયા ગેરહાજર રહ્યા હતા. 17 સભ્યોની ઉ5સ્થિતિમાં યોજાયેલ ચુંટણીમાં ભાજપ તરફી પ્રમુખ પદે ખાખીજાવીયા બેઠક ઉપરથી ચુંટાયેલા વિનોદભાઇ હાજાભાઇ ચંદ્રવાડીયાના નામની દરખાસ્ત રાકેશભાઇ વૈષ્ણાવીએ મુકી હતી. જયારે કોંગ્રેસ પક્ષમાંથી તલેગણાની બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા કડવીબેન રામશીભાઇ વામરોટીયા ની દરખાસ્ત હર્ષાબેન ઝાલાવડીયાએ મુકી હતી. ચુંટણી અધિકારીએ હાથ ઉંચો કરી મતદાન કરાવતા ભાજપના વિનોદભાઇ ચંદ્રવાડીયાને 17માંથી નવ મળેલ હતા. જયારે કડવીબેન વામરોટીયાને આઠ મત મળતા પ્રમુખ તરીકે વિનોદભાઇ ચંદ્રવાડીયા ચૂંટાયેલા  જાહેર થયા હતા. જયારે ઉપપ્રમુખ તરીકે ભાજપના ભીમભાઇ બાવનજી ભાઇ ચાવડાની દરખાસ્ત વનરાજભાઇ સાવલીયાએ મૂકી હતી. કોંગ્રેસમાંથી ચેતનાબેન જયદેવભાઇ વાળાની કડવીબેન વામરોટીયાએ મૂકી હતી. મતદાન થતા ભાજપના ભીમભાઇ ને 17માંથી નવ મત મળેલ જયારે કોંગ્રેસના ચેતનાબાને આઠ મત મળતા ભાજપના ભીમાભાઇ ચાવડા ઉપપ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ ભાજપના ચૂંટાઇ આવતા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, પૂર્વ સંસદ સભ્ય હરીભાઇ પટેલ, નગરપતિ મયુરભાઇ સુવા, સર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઇ માકડીયા, મહામંત્રી પૃથ્વીસિંહ ચુડાસમા, યાર્ડન વાઇસ ચેરમેન રાજાભાઇ સુવા, દુધ મંડળના પ્રમુખ દિપકભાઇ સુવા, દિલીપભાઇ ચાવડા, હરિભાઇ ઠુંમર, રણુભા જાડેજા, બાબુભાઇ દુબલ, દિલીપસિંહ વાળા, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઇન્દ્રવિજય સિંહ ચુડાસમા, નીતીનભાઇ અધેરા, ગજુભાઇ કાંઠડીયા, રવિભાઇ માકડીયા, જીજ્ઞેશભાઇ ડેર, વિક્રમસિંહ સોલંકી સહીત ભાજપના કાર્યકર્તાઓએ ફુલહાર કરી વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. વિજેતા બનેલ બન્ને હોદેદારોનું ઢોલ નગારા વગાડી ને ફટાકડા ફોડી ભવ્ય વિજય સરઘસ બસસ્ટેન્ડ ચોક સુધી નીકળ્યું હતું.

પિતાના રાજકારણ ઉપર પૂર્ણ વિરામ મુકતી પુત્રી

તાલુકા પંચાયતની ચુંટણીમાં બન્ને પક્ષો પાસે સરખા સભ્યો હોવાથી ચુંટણી ભારે રકાકસી ભરી બની હતી. ચુંટણીની આગવી રીતે ગઢાળા ગામના સરપંચ અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા નારણભાઇ આહિરની દિકરી અંજમાબેન ઉટડીયા કોંગ્રેસના કેમ્પ છોડી ભાજપના કેમ્પમાં પહોંચી જતા ભાજપનો વિજય આશાન રહ્યો હતો. ડુમીયાણીની બેઠક ઉપરથી ચૂંટાયેલા અંજનાબેન ઉટડીયાએ ગઇકાલે ચુંટણીમાં ગેરહાજર રહી ભાજપને પંચાયતમાં સત્તાની બાગડોળ સોંપી દીધી હતી.

કોંગ્રેસમાં પરિવર્તન અનિવાર્ય

ગઇકાલની ચુંટણીમાં કોગ્રેસના ઉમેદવારની જે રીતે હાર થઇ છે તે જોતા આગામી દિવસોમાં કોંગ્રેસમાં પરિવર્તન કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઘર કુદે ઘર જાય તેવી સ્થિતિ કોંગ્રેસની થશે અત્યારે કોંગ્રેસમાં જળમુળથી પરિવર્તન કાર્યકરો ઇચ્છા રહ્યા છે.

જેને નજીક માની ટિકિટ આપી તેજ ગદ્દાર નીકળ્યા

ગઇકાલે ચુંટણી બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગરના કહેવાથી નારણભાઇ આહિરના પરિવારને ટિકીટ અપાઇ હતી. ચુંટાયા બાદ નારણભાઇની દિકરી ભાજપના કેમ્પમાં જતા કોંગ્રેસ પાસે આવેલી સત્તાની બાજી ભાજપને સોંપી દેતા કાર્યકરોમાં કોંગ્રેસના આગેવાનોમાં ભારે રોષ ઠાલવ્યો હતો. એકાદ માસ પહેલા નગરપાલિકાની યોજાયેલી ચુંટણીમાં પણ કોંગ્રેસ પક્ષે ફોર્મ નહિ ભરી ભાજપના ઉમેદવારોને બિન હરીફ કરાવી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.