Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત માટે સૌની યોજના આશિર્વાદરૂપ

સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 972 ગામોના 8.25 લાખ એકર વિસ્તારને સિંચાઈનો લાભ: 31 શહેરો અને 737 ગામોને પીવાના પાણીનો લાભ મળશે

રાજ્યના જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, તત્કાલીન મુખ્યમંત્રી  અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના ત્રણ મિલિયન એકર ફીટ વહી જતા પાણીનો લાભ સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને કચ્છને મળી રહે એ આશયથી સૌની યોજના નો શુભારંભ કર્યો હતો એ આજે ખેડૂતો-નાગરિકો માટે સાચા અર્થમાં આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે.

આજે વિધાનસભા ખાતે સૌની યોજના અન્વયે પાઈપ લાઈન ની કામગીરીના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી  પટેલ ઉમેર્યું કે,નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરવા માટે સૌની યોજના અન્વયે 9,371 કી. મી પાઇપલાઇનના કામો માટે મંજુરી આપવામાં આવી છે એ માટે રૂપિયા 16,721 કરોડનો ખર્ચ કરાયો છે. આ યોજના હેઠળ 1,298 કી.મી ની પાઇપલાઇનના કામો પૂર્ણ કરાયા છે. જ્યારે 73 કિલોમીટર લંબાઈની પાઇપલાઇન ના  કામો બાકી છે જે સત્વરે પૂર્ણ કરાશે.

મંત્રીએ ઉમેર્યું કે, સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 115 જળાશયોનું જોડાણ કરવાનું આયોજન હતું જે પૈકી 95 જળાશયોનું જોડાણ કરી દેવાયું છે અને બાકી રહેતા 20 જળાશયોના જોડાણ સત્વરે પૂર્ણ કરી દેવાશે.સૌરાષ્ટ્રમાં આ યોજના થકી 11 જિલ્લાના 972 ગામોના આશરે 8.25 લાખ એકર વિસ્તારને સિંચાઇઓનો લાભ તથા 31 શહેર અને 737 ગામોને પીવાના પાણી માટે નર્મદાના નીરનો લાભ મળશે. આ ઉપરાંત સૌની યોજના હેઠળ 25 મુખ્ય પંપીંગ સ્ટેશન 8 ફીડર પંપિંગ સ્ટેશન મળી કુલ 33 સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.

સૌની યોજના હેઠળ ત્રણ મિલિયન એકર ફીટ વધારાનું વહી જતું પાણી ખેડૂતો – નાગરિકોને પીવાના પાણી – સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે.જેમાં એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને,એક મિલિયન એકર ફીટ ઉત્તર ગુજરાતને આપવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 9 જાળાશયો અને 17 તળાવો પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન છે. જ્યારે 1 મિલિયન એકર ફીટ પાણી કચ્છ માટે ના કામો હાથ ધરાશે તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.