રાજકોટના વિદ્યાર્થી દ્વારા પ્રતિ કિમી 50 પૈસાના ખર્ચે ચાલતા ઇલેક્ટ્રીક બાઇકનું નિર્માણ

રોજ રોજ વધતાં પેટ્રોલના ભાવ અત્યારે આસમાને પહોંચી રહ્યા છે જેને લીધે મધ્યમવર્ગની કમર તૂટી રહી છે ત્યારે એવા સમયમાં આર કે યુનિવર્સિટીના વિદ્યાર્થી અને યુવા મિકેનિકલ એન્જીનિયર જયદીપ ડોડીયાએ એમના પ્રોફેસર ડો.ચેતન પટેલના માર્ગદર્શન હેઠળ વેસ્ટમાંથી બેસ્ટ ઇલેક્ટ્રિક બાઇકનું નિર્માણ કર્યું છે જે એક વાર ચાર્જિંગ કર્યા પછી 50 થી 55 કિલોમીટર ચાલે છે અને એવરેજ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાકની છે.

જયદિપ દ્વારા બનાવેલ આ બાઇકની ખાસિયત એ છે કે તમારી પાસે રહેલા કોઇ પણ જુના બાઇકને ઇલેક્ટ્રીક બાઇકમાં ક્ધવર્ટ કરીતે તમે તેને રિસાયકલ કરી શકો છો. નવા બાઇકની કિંમતની સામે 60% ઓછી કિંમતમાં આ રીતે બાઇક તૈયાર કરી શકાય છે.

બાઇકની વિશેષતા જણાવીએ તો બાઇકને ફૂલ ચાર્જ થવા માટે માત્ર 2 યુનિટની જ જરૂર પડે છે એટલે પ્રતિ કિલોમીટરે 50 પૈસાનો જ ખર્ચ આવે છે. બાઇકની અંદર ઓટો ક્લચ સિસ્ટ પણ છે જે મોટરને ઓવરલોડ કે રફ રસ્તામાં પ્રોટેક્શન આપે છે અને બાઇકની લોડ કેરીગ કેપેસિટી 200 કિલોગ્રામની છે. બાઇકની બેટરી 4 વર્ષની વોરંટી ધરાવે છે. જયદીપનું આ સંશોધન ખરા અર્થમાં મધ્યમ વર્ગને રાહત આપનારું છે.