45 કરોડના ખર્ચે નવા ભવનનું નિર્માણ કાર્ય, નાણાં પંચના કામો સત્વરે હાથ ધરાશે : ભુપત બોદર

જિલ્લા પંચાયતની સામાન્ય સભા કોઈ પ્રશ્ર્નોની ચર્ચા વગર આટોપાઈ

જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં કોઈ પ્રશ્નોની ચર્ચા વગર આટોપી લેવાય હતી. જોકે, 45 કરોડના ખર્ચે નવા ભવનનું નિર્માણ કાર્ય, નાણાં પંચના કામો સત્વરે હાથ ધરાશે તેમ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું.

ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલા નાણાં પંચના કામોને બહાલી આપવા મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 15 માં નાણાં પંચના કામો સત્વરે પુરા કરવા બહાલી અપાઈ હતી. રાજકોટ જિલ્લા પંચાયતની આજ ખાસ સામાન્ય સભા મળેલ હતી તેમાં નાણાં પંચના કામોને બહાલી આપવા સહિતના મુદ્દાઓને બહાલી અપાઇ હતી.

જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા તા.5 ને શુક્રવારે મળી હતી. પંચાયતના નવા ભવન માટે બનેલી 45 કરોડની યોજનામાં ડિઝાઈન તૈયાર હોવાથી તેનો ઠરાવ કરવા માટે આ ખાસ બેઠક જિલ્લા પંચાયત પ્રમુખે બોલાવી હતી. નવા બનનાર ભવનની અંદર શુ શુ સગવડતાઓ હશે તેનું પ્રેઝન્ટેશન કરાયું હતું.

આ બેઠકમાં પ્રશ્નોતરી સત્ર રાખવામાં આવેલ ન હતું.માત્ર આ ઠરાવ પુરતા સદસ્યો મળેલ હતા. સામાન્ય સભામાં ઠરાવ બહાલી કાર્યવાહી કરીને સરકારને ઠરાવ મોકલી દેવાશે.આ માટે ખાસ સામાન્ય સભા મળી હતી.

રાજકોટ જિ.પંચાયતની મળેલી સામાન્ય સભામાં કોઈપણ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરાઈ નહોતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં નાણાં પંચનાં કેટલાક આયોજનનાં કામો જરુરી મંજૂરીનાં વાંકે લાંબા સમયથી ખોરવાયા છે આ કામો આગામી ચૂંટણીઓ પહેલા પુરા થાય તે માટે જિલ્લા પંચાયતનાં શાસકોએ કવાયત શરુ કરી છે. ખાસ નાણાં પંચનાં કામોને બહાલી આપવા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.લાંબા સમયથી નાણાં પંચનાં કામો ખોરવાયેલા હોવાથી ચૂંટણી પહેલા કામો પુરા કરવા કવાયત હાથ ધરાઈ છે.

જિલ્લામાં આરોગ્ય, રોડ – રસ્તા અને ખાસ કરીને લમ્પી વાયરસથી પશુઓ મોતનાં મુખમાં ધકેલાઈ રહયા હોવા સહિતનાં અનેક પ્રશ્નો છે ત્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષની ચર્ચાથી બચવાનાં વ્યુહ રચનાનાં ભાગરુપે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી તેમ પણ વિપક્ષના કેટલાક સદસ્યોએ જણાવ્યું હતું.ખાસ સાધાસણ સભા હોવાથી પ્રશ્નોતરી રાખવામાં આવેલ નહતી. માત્ર એજન્ડા પરની દરખાસ્તોને બહાલી જ આપવામાં આવેલ હતી. દરમિયાન આગામી ઓકટોબર – નવેમ્બરમાં ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલા વધુ એક સામાન્ય સભા મળે તેવી શકયતા છે.

હર ઘર તિરંગા અભિયાન સક્રિયપણે સાકાર થશે

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા મળેલ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે હર ઘર તિરંગા અભિયાનને સક્રિય પણે સફળ કરવા આયોજન હાથ ધર્યુ હોવાનું અને દરેક લોકો પોતાના ઘર વ્યવસાય સ્થળે તિરંગો લહેરાવે તેવો અનુરોધ કર્યો હતો અને આ માટે જિલ્લા પંચાયતના દરેક કર્મચારીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાય તેવી અપીલ કરેલ હતી.

લમ્પી વાયરસ રસી માટે કોઈ પૈસા લેવાતા નથી

જિલ્લા પંચાયત વિસ્તારમાં પશુઓને અપાતી લમ્પી વાયરસની રસીના અમુક લોકો દ્વારા પૈસા લેવાય છે તેવા સમાચારો મળતાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે અબતકને જણાવ્યું હતું કે જિલ્લામાં થઈ રહેલા રસીકરણમાં કોઈ જગ્યાએ કોઈ દ્વારા પૈસા લેવાતા નથી. કોઈ ખાનગી લોકો આ પૈસા લેતા હશે તો તે ધ્યાને નથી. જિલ્લા પંચાયત દ્વારા આ રસી તદ્દન નિ:શુલ્ક અપાઈ રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.

જિ. પંચા.ની મેજ ડાયરીનું વિમોચન

જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની મેજ ડાયરીનું વિમોચન કરાયું હતું. પ્રસિદ્ધ થયેલ કલરફુલ આ ડાયરીમાં રાજકોટ જિલ્લા પંચાયતની ભૌગોલિક માહિતી, અધિકારીઓ, પદાધિકારીઓ અને શાખાઓ અને કરાતી કામગીરીની સચોટ માહિતી આપવામાં આવેલ છે.