Abtak Media Google News

અમરેલી જિલ્લા અને તાલુકાના 12 શિક્ષકોને ’શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે  સન્માનિત કરવામાં આવ્યા

અબતક, પ્રદીપ ઠાકર અમરેલી

રાજ્યના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમરેલીના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ સામજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત ઓક્સફોર્ડ સ્કૂલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના 12 શ્રેષ્ઠ શિક્ષકોને ’પ્રશસ્તિ પત્ર’ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં શિક્ષકોને સંબોધતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, સમાજમાં શિક્ષકોનું સ્થાન સૌથી સર્વોચ્ચ છે. શ્રેષ્ઠ સમાજના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. જે શિક્ષકો સ્વાર્થ વગર આત્મ સંતોષ માટે શિક્ષણકાર્યમાં નિરંતર જોડાયેલા રહે છે તે ’શ્રેષ્ઠ શિક્ષક’ના સન્માન સુધી પહોંચી શકે છે.  શિક્ષકો પોતાનું સમગ્ર જીવન બાળકોને સમર્પિત કરતા હોય છે ત્યારે આપણે સૌ સાથી મળીને જે ઘટતું છે તે કરી અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.

આજના કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ચાવડા ઉમેશભાઈ જેઠાભાઈ, ખુમાણ અજયકુમાર નજુભાઈ, ચૌહાણ પ્રહલાદ કેશવલાલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકા કક્ષાએ ધાંધિયા દિવ્યાબેન ગૌરીશંકર, સુતરિયા નિધિબેન મહેશભાઈ, પરમાર જ્યોત્સનાબેન વાલજીભાઈ, સોલંકી પ્રકાશકુમાર દુદાભાઈ, મેવાડા મનસુખલાલ પુંજાભાઈ, સુખડીયા અસ્મિતાબેન ઘનશ્યામભાઈ, ગેવરીયા સોનલબેન કાનજીભાઈ, કડેવાળ ભાવેશભાઈ મનસુખભાઈ, ચાવડા પરેશકુમાર મોહનભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ  રેખાબેન મોવલીયા, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિપૂલભાઈ દુધાત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ  તુષારભાઈ જોશી, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, ડાયટના આચાર્ય દક્ષાબેન પાઠક, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જી.એમ.સોલંકી, જિલ્લા-તાલુકા શિક્ષક-આચાર્ય સંઘના પ્રમુખઓ, હોદ્દેદારો, શિક્ષકો અને શિક્ષણવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.