Abtak Media Google News

ઓનલાઈન અરજી કરતી વેળાએ જો કોઈ ગડમથલ સર્જાય તો કંટ્રોલ રૂમના ટેકનીકલ સ્ટાફ પાસેથી મદદ લઈ શકાશે

પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવનાર છે. જિલ્લાના દરેક સેન્ટરો પર ઓનલાઈન અરજી કરતી વેળાએ જો કોઈ ગડમથલ સર્જાય તો કર્મચારીઓએ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધીને ટેકનીકલ સ્ટાફ પાસેથી મદદ માગવાની રહેશે. આ કંટ્રોલ રૂમનો નંબર ૦૨૮૧-૨૪૭૪૧૭૫ જાહેર કરવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૯-૨૦ના કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા નાના ખેડુતોને વાર્ષિક રૂ.૬ હજારની સીધી સહાય આપવામાં આવનાર છે. આ યોજનાની અમલવારી ગત ડિસેમ્બર માસથી કરવામાં આવી છે. આ સહાયમાં પ્રથમ કવાર્ટરની રૂ.૨ હજારની સહાય ચુકવવા માટે જરૂરી કાર્યવાહી કરવા રાજય સરકાર તરફથી જિલ્લા વહિવટી તંત્રને આદેશ આપી દેવામાં આવ્યો છે જે સંદર્ભે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નાના ખેડુતોને પ્રથમ કવાર્ટરની સહાય ચુકવવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા સૌપ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહે છે. આ અરજી કરવામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે હેતુથી જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ કંટ્રોલરૂમ ૬ ટેકનીકલ કર્મચારીઓનો સ્ટાફ બેસાડવામાં આવશે. આ કંટ્રોલ રૂમ સાંજે ૬ થી રાત્રે ૨ વાગ્યા સુધી કાર્યરત રહેશે. દરેક સેન્ટરો ઉપર ઓનલાઈન અરજી કરવાની કામગીરી થનાર છે. આ વેળાએ જો કોઈ એરર જણાય તો જે-તે સરકારી કર્મચારીએ કંટ્રોલ રૂમ ફોન નંબર ૦૨૮૧-૨૪૭૪૧૭૫નો સંપર્ક સાધવાનો રહેશે. આ કંટ્રોલ રૂમમાં પ્રોજેકટ મેનેજર તરીકે દુષ્યંતસિંહને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ૬ કર્મચારીઓનો આ સ્ટાફ બે શીફટમાં ફરજ બજાવશે. રાત્રીના સમયે સર્વર પર લોડ ઓછો હોવાના કારણે ફોર્મ ભરાવવામાં વિલંબ થતો ન હોવાથી વહિવટી તંત્ર દ્વારા ફોર્મ ભરવા માટે રાત્રીનો સમય પસંદ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.