Abtak Media Google News

ધર્મની રક્ષા કરવા ચૈત્ર માસની બીજના દિવસે અવતરિત થયા ભગવાન ઝુલેલાલ 

સર્વધર્મ સમભાવની લાગણીને સમાજમાં ફેલાવવા અને ધર્મની રક્ષા કરવા ચૈત્રમાસની બીજના દિવસે અવતરિત થયા તે ભગવાન ઝુલેલાલ ભગવાન ઝુલેલાલના અવતરણની કથા જાણવા જેવી છે.

સિંધ પ્રદેશમાં મિરખ શાહ નામે રાજા રાજા કરતો હતો. તે ખૂબ દંભી, અસહિષ્ણુ અને ક્રુર હતો. તે પોતાની પ્રજા પર અત્યાચાર ગુજારતો અને ધર્મપરિવર્તન કરવા માટે તેમને વિવશ કરતો. આમ પ્રજા આવા રાજાથી ખૂબ ત્રાહિત હતી અને આ ક્રૂર રાજાના અત્યાચારમાંથી મુક્તિ મેળવવા ઝંખતી હતી. તેથી પ્રજાએ મુક્તિ મેળવવા ઇશ્ર્વરનું શરણું લીધું. સિંધુ નદીના તટે તેમણે જપ તપ કર્યુ, પ્રભુનું સ્મરણ કર્યુ. પ્રજાનો આર્તનાદ સાંભળી વરુણ દેવે મત્સ્ય એટલે કે માછલી ઉપર સવાર થઇને દર્શન આપ્યા અને એવી આકાશવાણી થઇ કે પ્રજાના દુ:ખ હરવા પ્રભુ નરસપુરના રતનરાય અને દેવકીના ઘરે જન્મ લેશે અને તે બાળક સૌની મનોકામના પૂર્ણ કરશે. સમય વીતાતાં નસરપુરના ઠાકુર રતનરાયના ઘરે દેવકીની કૂખે ચૈત્ર સુદ બીજ શુક્રવારના દિવસ એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ રખાયું ઉદયચંદ. આ દેવી બાળકના જન્મની મિરખશાહને જાણ થઇ ત્યારે પોતાનો અંત નજીક છે એમ માની બાળકને મારી નાખવાની યોજના તેણે બનાવી. બાદશાહ મિરખશાહ પોતાના સૈન્યને લઇ રતનરાયને ઘરે પહોચ્યો અને બાળકને પકડવા પ્રયત્ન કર્યો પરંતુ ભગવાન ઝુલેલાલજીએ પોતાની કરામત બતાવી અને અદ્દશ્ય થઇ ગયા.

તેમની સામે મિરખશાહની ફોજની તાકાત પાંગળી બની ગઇ. તેમને સિહાંસન પર બિરાજેલ ઉદયચંદ એટલે કે ઉદેરોલાલના દિવ્યપુરુષના રૂપમાં દર્શન થયા.

જૂનાગઢની સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદિપભાઇ ખીમાણી, જગદીશભાઇ ખીમાણી, નરેશભાઇ ખીમાણી તથા રધુભાઇ ખીમાણી વધુમાં જણાવે છે કે ઉદેરોલાલે કિશોર અવસ્થામાં જ પોતાનું દૈવી પરાક્રમ દર્શાવી જનતાને આશ્ર્વસ્ત કરી. ઉદેરોલાલે બાદશાહને સંદેશો મોકલ્યો કે શાંતિ જ પરમસત્ય છે પરંતુ બાદશાહ મિરખે ફરી ઉદેરોલાલ પર આક્રમણ કર્યુ. બાદશાહનો પરાજય થયો અને તે ઉંદરોલાલનાં ચરણોમાં સ્થાન માગ્યું. ઉદેરોલાલે તેને સર્વધર્મ સમભાવનો સંદેશ આપ્યો અને મિરખશાહ ઉદયચંદનો શિષ્ય બની ધર્મ પ્રચારના કાર્યમાં જોડાઇ ગયો.

ભગવાન ઝુલેલાલજીને જળ અને જયોતિ એટલે કે અગ્નિના અવતાર માનવામાં આવે છે. તેમનુ વાહન માછલી છે. ભકતો તેમને ઉદેરોલાલ, ઘોડેવારો, જિન્દપીર, લાલસાંઇ, પલ્લેવારો, જયોતિનવારો અમરલાલ વગેરે નામથી પણ પૂજે છે.

આ દિવસે વેપારીઓ નવા ચોપડાઓના શ્રી ગણેશ કરે છે. ચેટીચંડને સિંધી સમાજ સિંધી દિવસ તરીકે પણ ઉજવે છે. ચેટીચાંદના બીજો દિવસે મોટું સરઘસ પણ કાઢવામાં આવે છે. પ્રસાદ અને શરબતની લહાણી પણ થાય છે. ઝુલેલાલ મંદિરોમાં ભોજનના આયોજન પણ કરવામાં આવેલ છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્ર્વમાં ચેટીચંડ (ચેટીંચાદ)નો તહેવાર પરંપરાગત હર્ષોલ્લાસ સાથ મનાવાય છે. સિંધપ્રાંતમાં ખૂબ રંગેચંગે ચેટીચાંદ ઉજવાય છે. આ ઉત્સવ સર્વધર્મ સમભાવના પ્રતિક સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.