Abtak Media Google News

લક્ષ્મણરાવ ઈનામદારની જન્મ શતાબ્દી વર્ષની પૂર્ણાહુતી નિમિત્તે કાર્યક્રમ તથા આરબીઆઈના નવનિયુકત ડિરેકટર સતીષ મરાઠેનો સન્માન સમારોહ યોજાયો

આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડમાં નવનિયુકત ડિરેકટર સતિષ ભરાડે જણાવ્યું હતું કે, કો-ઓપરેટીવ સંસ્થાઓને આર્થિક અને કાયદાકીય રીતે શકિતશાળી બનાવવાની જરૂર છે. સહકાર ભારતી ગુજરાત પ્રદેશ, ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્ક અને ગુજરાત અર્બન કો.ઓ.બેન્કસ ફેડરેશનના ઉપક્રમે લક્ષ્મણરાવ ઈનામદારની જન્મશતાબ્દી વર્ષની પૂર્ણાહુતીનો તથા સતીષ મરાઠેની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડમાં નિયુકિત થવા બદલ તેમનો સન્માન સમારોહ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સતિષ મરાઠે સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વકીલ સાહેબને માત્ર સહકાર ક્ષેત્ર સાથે જોડીએ તો મને લાગે છે કે એ પર્યાપ્ત નથી. તેમણે સંઘના કામની યોજના મુજબ જવાબદારી લઈને સંઘના કામનો વ્યાપ સંઘર્ષમય વાતાવરણમાં પણ આગળ વધાર્યો.

ગુજરાત તેમનું કાર્યક્ષેત્ર હોવાથી ગુજરાતને તેનો લાભ મળ્યો હતો. વકીલ સાહેબે સહકાર ભારતીમાં પ્રત્યેક્ષ કાર્ય નથી કર્યું તેમણે આ ક્ષેત્રને દિશાદર્શન માર્ગદર્શન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઋષિપંચમી એટલે વકીલ સાહેબનો જન્મદિવસ. તેઓ ખરાઅર્થમાં આધુનિક ઋષિ હતા. જે આદ્યદ્રષ્ટા હતા. દુરંદેશી હતા જેમના તપનો પ્રભાવ હતો. પદનો પ્રભાવ ન હતો.

કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ હરીભાઈ બાગડે જણાવ્યું કે, જયારે સહકારી ક્ષેત્રમાં મુશ્કેલી આવી તેનો વિકાસ અટકયો. અનેક સંસ્થાઓ બંધ થઈ ત્યારે વકીલ જેવા વ્યકિતત્વો આગળ આવ્યા અને આ ક્ષેત્રે પ્રામાણિક, સક્રિય અને ધ્યેયનિષ્ઠ કાયકર્તાઓનું સંગઠન ઉભુ કર્યું. તેમણે જણાવ્યું કે કોઈપણ એવું ક્ષેત્ર નથી. જેનો રા.સ્વ.સંઘે વિચાર ન કર્યો હોય. સહકાર ક્ષેત્ર પણ એમાંનુ એક છે. સહકારી ક્ષેત્રના સ્વયંસેવકો લગન, પ્રામાણિકતા અને રાષ્ટ્રભાવ સાથે કાર્ય કરે છે.

આ તકે અખિલ ભારતીય અધ્યક્ષ જયોતિન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, વકીલ સાહેબ સરકારી ચિંતક હતા. કોઈ પદ તરફ નહીં પણ આ દેશના છેવાડાના માનવી તરફ તેમનું ધ્યાન હતું. તેમને ખબર હતી કે આ દેશને શકિતશાળી બનાવવો હશે તો પહેલા છેવાડાના માનવીને મજબુત બનાવવો પડશે.

અમીર-ગરીબ વચ્ચેની ખાઈ દુર કરવી પડશે અને આ કામ માત્ર સહકાર ક્ષેત્ર જ કરી શકે. વકીલ સાહેબે સહકારી ક્ષેત્રનું તત્વચિંતન રજુ કર્યું જેના સારા પરીણામો આજે આવ્યા છે. તેમણે જણાવ્યું કે, નાના અને મધ્યમ વર્ગના લોકોનું મેનેજમેન્ટ એટલે જ સહકારી ક્ષેત્ર.

સહકાર ભારતીના સંરક્ષક સતીષ મરાઠેએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રનું કામ મહારાષ્ટ્રથી શ‚ કરીને તેને ગુજરાત, ગોવા, કર્ણાટકથી લઈને સમગ્ર દેશમાં લઈ જઈશું. મારી આવી વાત વકીલ સાહેબ સાથે ૧૯૭૮માં થઈ હતી અને આજે નોર્થ-ઈસ્ટના કેટલાક રાજયો છોડી દઈએ તો સહકાર ભારતી દેશના ૫૦૦થી વધારે જિલ્લાઓમાં ફેલાયેલી છે. ૨૦,૦૦૦થી વધારે સહકારી સમિતિઓ સહકાર ભારતી સાથે જોડાયેલી છે.

કાર્યક્રમ દરમિયાન મા.વકીલ સાહેબના જીવનદર્શન પર એક ડોકયુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્કના ચેરમેન અજય પટેલ, સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય જોશી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જીતુભાઈ વ્યાસ, પ્રદેશ અધ્યક્ષ કાંતિભાઈ શાહ, વકીલ સાહેબના નાના ભાઈ ગજાનંદરાવ ઈનામદાર સહિત મોટી સંખ્યામાં સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.