- હાશ…શહેરમાં કોરોનાના કેસ ઘટવા માંડ્યા
- નવા સાત કેસ નોંધાતા કુલ કેસનો આંક 172એ પહોંચ્યો: એક્ટિવ કેસ માત્ર 58
શહેરમાં કોરોનાના કેસમાં આજે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. જો કે, વોર્ડ નં.7માં ઠક્કર બાપા નગર વિસ્તારમાં 61 વર્ષીય મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઇકાલે કોરોનાના 9 કેસ નોંધાયા બાદ આજે માત્ર સાત કેસ મળી આવ્યા હતા. જો કે, એક્ટિવ કેસમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
આ અંગે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીના જણાવ્યાનુસાર ગઇકાલે શહેરમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા હતા. શનિવારની સરખામણીએ રવિવારે કેસમાં ઘટાડો નોંધાયો હતો. દરમિયાન આજે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. શહેરના વોર્ડ નં.9માં કુવાડવા રોડ પર 66 વર્ષીય પુરૂષ, વોર્ડ નં.7માં 61 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે. હાલ તેઓ વેન્ટીલેટર ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે વોર્ડ નં.10માં કાલાવડ રોડ અને પુષ્કરધામ રોડ પર બે મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. વોર્ડ નં.11માં જીવરાજ પાર્ક વિસ્તારમાં 17 વર્ષના કિશોરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે વોર્ડ નં.3માં પરસાણાનગર વિસ્તારમાં 44 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થઇ છે અને વોર્ડ નં.9માં યુનિવર્સિટી રોડ પર એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. શહેરમાં છેલ્લા 27 દિવસમાં કોરોનાના કુલ 172 કેસ નોંધાયા છે. જે પૈકી 114 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. હાલ માત્ર 58 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.