Abtak Media Google News

ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ: દર ચારમાંથી 3 દર્દીઓ કોરોનાને મ્હાત આપી રહ્યા છે

કોરોના વાયરસની બીજી લહેરનું વરવું સ્વરૂપ દેશભર માટે ઘાતકી નીવડ્યું છે. એમાં પણ કોરોના વાયરસના અલગ અલગ કલર સામે આવતા નવું જોખમ ઉભુ થયું છે પરંતુ હાલ આ જીવલેણ સાબિત થયેલી કોરોનાની બીજી લહેરના અંતના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાત સહિતના ઘણાં રાજ્યોમાં કેસમાં ઘટાડો થયો છે તો સામે રિકવરી રેટ પણ વધ્યો છે. અને ખાસ ગુજરાતવાસીઓ માટે એ મોટી રાહતરૂપ સમાચાર છે કે દેશમાં ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટ નોંધાઈ રહ્યો છે. ગત અઠવાડિયામાં કોરોના સામેનો રિકવરી રેટ 50 થી 55% હતો પરંતુ છેલ્લા સાતેક દિવસમાં તે વધી 75 ટકાએ પહોંચી ગયો છે. અને હજુ આવતા અઠવાડિયામાં આ દર સતત વધીને 85% પહોંચી જશે તેવી તીવ્ર શકયતા છે. કારણ કે હવે ગુજરાતના લોકો જાગૃકતા સાથે કોવિડ બીહેવીરને ધ્યાનમાં રાખી વર્તુણુંક કરી રહ્યા છે. બીજી લહેરનો ડર એવો પેસ્યો કે લોકો સફાળા જાગી ગયા હોય તેમ ઘેરબેઠાં જ કોરોનાને હરાવવાની જંગમાં જુટાઈ ગયા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,064 નવા કેસ નોંધાયા છે.  કુલ કેસની સંખ્યા 6,58,036 પર પહોંચી છે. આ નવા કેસ 12,064ની સામે 13,085 દર્દીઓ સાજા થયા છે. છેલ્લાં ચારેક દિવસથી નવા કેસની સંખ્યાને રિકવરી રેટ ઓવરટેક કરી રહ્યો છે. તો મૃત્યુદર પણ ઘટ્યો છે. સરકારી અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે અત્યારસુધીમાં જે રિકવરી રેટ નોંધાઈ રહ્યો છે તે જેમ નવા કેસ વધી રહ્યા હતા એવી જ રીતે હવે તેની સામે રિકવરી રેટ વધી રહ્યો છે જે તંત્ર સરકાર તેમજ લોકો માટે મોટી રાહત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ -19 રસીનો  પ્રથમ  ડોઝ 1.02 કરોડ લોકોને આપવામાં આવ્યો છે, જ્યારે 29.89 લાખ લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. વાત કરીએ રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ અંગે તો છેલ્લા 24 કલાકમાં 119 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદ જિલ્લામાં 17, જામનગરમાં 13, સુરત અને રાજકોટમાં 12, અને વડોદરામાં 9 મૃત્યુ થયાં છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3,744 કેસ, ત્યારબાદ સુરત શહેરમાં 903, વડોદરા શહેરમાં 648,  મહેસાણામાં 497 તો જામનગર શહેરમાં 398 કેસ નોંધાયા છે.

આવતા અઠવાડિયામાં રીકવરી રેટ વધી 85% થઈ જશે

દેશભરમાં ઘમાસાણ મચાવેલ કોરોના વાયરસની બીજી લહેરમાં નવા કેસ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ હવે તેનો ગ્રાફ નીચે સરકી રહ્યો છે. કેસમાં સતત ઘટાડો થતા મૃત્યુદર પણ ઘટ્યો છે તો આ સાથે રિકવરી રેટ પણ ઝડપભેર વધી રહ્યો છે. ગત બે અઠવાડિયામાં કોરોનાને મ્હાત આપી દર્દીઓનો સાજા થવાનો દર 55 ટકા જેટલો હતો જે હાલ વધીને 75 ટકાએ પહોંચી ગયો છે અને હજુ આગામી અઠવાડિયામાં 85 ટકાએ પહોંચી જશે. આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે ગત ફેબ્રુઆરી માસની મધ્યમાં કોરોના સામે રિકવરી રેટ 85 ટકા હતો જે છેલ્લા દોઢેક માસના સમયથી ઘટી ગયો હતો. પરંતુ હવે આવનારા થોડા જ દિવસોમાં આ રિકવરી રેટ ફરી પાછો વધી જશે. હાલ ચારેક દિબસથી નવા કેસ કરતા પણ સાજા થવાનો દર વધી ગયો છે જે બીજી લહેરમાંથી મુક્તિના અણસાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.