Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે 18 વોર્ડમાં 67 અર્બન હેલ્થ ક્લિનીક શરૂ કરવામાં આવશે. આરોગ્યલક્ષી સેવા માટે લોકોને દૂર દૂર સુધી લાંબુ થવું ન પડે તેવા આશય સાથે પ્રત્યેક 1 કિ.મી.ના વિસ્તારમાં 3000ની વસ્તીને આવરી લેતી ક્લિનીક શરૂ કરવામાં આવશે. જેના માટે તબીબોની ભરતી કરવા આજે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. એમબીબીએસ અને આયુષ ડોકટરની 67 જગ્યા માટે કુલ 250થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યું આપ્યા હતા. આગામી બીજી ઓગષ્ટ અર્થાત મુખ્યમંત્રીના જન્મદિવસથી શેરી ક્લિનીક શરૂ કરી દેવાના લક્ષ્યાંક સાથે કાર્યવાહી આગળ ધપી રહી છે.

મહાપાલિકા દ્વારા ચાલુ સાલના બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, શહેરીજનોની સુખાકારી માટે શેરી ક્લિનીક શરૂ કરવામાં આવશે. મહાપાલિકા વિસ્તારમાં દિનદયાળ ક્લિનીક (અર્બન હેલ્થ ક્લિનીક) શરૂ કરવા માટે મેડિકલ ઓફિસર અને મેડિકલ ઓફિસર (આયુષ)ની ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મેડિકલ ઓફિસર્સની 11 માસ માટે તદન હંગામી ધોરણે ભરતી કરવામાં આવનાર છે અને તેને માસીક રૂા.30 હજાર પગાર ચૂકવવામાં આવશે.

જ્યારે મેડિકલ ઓફિસર (આયુષ)ને માસીક રૂા.23000 પગાર ચૂકવવામાં આવનાર છે. આ હેલ્થ ક્લિનીકમાં તબીબોએ સાંજના 5 થી રાત્રીના 9 સુધી સેવા આપવાની રહેશે. પસંદગી પામેલા તબીબ દ્વારા એક પેરા મેડિકલ સ્ટાફ પોતાની જરૂરીયાત મુજબ રાખી શકશે જેનો સંપૂર્ણ ખર્ચ તેને ભોગવવાનો રહેશે. જ્યારે જરૂરી પરિક્ષણના સાધનો પણ તબીબે ખરીદવાના રહેશે. કોર્પોરેશન દ્વારા માસીક ફીક્સ પગાર સીવાય કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવશે નહીં.

આજે સવારે ડીએમસી આશિષકુમાર, ચિફ ઓડિટર શાહ, આરોગ્ય અધિકારી ડો.લલીત વાજા અને નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ દ્વારા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. કુલ 67 જગ્યાઓ માટે 250થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ આપ્યા હતા. મેરીટના આધારે આગામી દિવસોમાં તબીબોની પસંદગી કરવામાં આવશે. બીજી ઓગષ્ટથી કોર્પોરેશન દ્વારા શહેરમાં 67 અર્બન હેલ્થ ક્લિનીક શરૂ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. જેમાં પ્રત્યેક 3 હજાર લોકોની વસ્તી વચ્ચે 1 કિ.મી.ના એરીયામાં આવી મહોલ્લા ક્લિનીકનો આરંભ કરવામાં આવશે જેથી લોકોને ઘર આંગણે જ સેવા મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.