કોરોના મહામારીની આ સમસ્યા સાવચેતીથી નિવારી શકાશે: બિનજરૂરી અફવાઓથી સોશિયલ પેનિક ઉભુ કરવું ન જોઈએ

0
22

કોરોના મહામારી બેકાબુ બની રહી છે ત્યારે લાંબા સમય સુધી ચાલનારી આ બિમારી સાથે જીવતા શીખી લેવું પડશે. પ્રથમ વાયરાથી આજની પરિસ્થિતિ ઘણી રીતે અલગ તારવી શકાય. સંક્રમણની ઝડપ અને વાયરસે નવા રૂપ ધારણ કરી લીધા છે પરંતુ પહેલી વખત જ્યારે કોરોનાનું આક્રમણ થયું ત્યારે તેની ઓળખ, લક્ષણો અને તેના ઈલાજની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી. આ વખતે તો એક વર્ષના અનુભવમાંથી ઘણું શીખી લઈને આરોગ્ય તંત્ર અને સરકારી તંત્રએ કોરોના સામે વધુ સારી રીતે યુદ્ધ કેવી રીતે લડી શકાય એ માટેની આખી રણનીતિ તૈયાર કરવાની ક્ષમતા કેળવી લીધી છે. કોરોનાના પ્રથમ આગમન વખતે કોઈ ઈલાજ હાથવગો ન હતો. હવે ભારતની જ ત્રણ-ત્રણ રસી કોરોના સામે અસરકારક ઉપચાર તરીકે કામ આવી રહી છે. રોગપ્રતિકારક શક્તિના ઈંજેકશનો અને સંક્રમણ ન ફેલાય તે માટેની સાવચેતી જેવા શસ્ત્રો આ વખતે આ બીમારી સામે લડત કરવા માટે ઉપયોગમાં આવી રહ્યાં છે. બીજા શબ્દોમાં કહીએ તો કોરોનાની આ લડાઈમાં બીજો વાયરો ઝડપથી ફેલાવા માટે ઘાતક પુરવાર થઈ રહ્યો છે પરંતુ તેની સામે સામે તેના અસરકારક ઈલાજ એક વર્ષનો અનુભવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની કામગીરીને લઈને કોરોના ટૂંક સમયમાં જ કાબુમાં આવશે તેવો આશાવાદ ઉભો થયો છે. અલબત અત્યારે મહામારીની સમસ્યાઓનો સામનો કરવાની સાથે સાથે ખોટી અફવાઓ અને ભયના વાતાવરણમાં આવીને સ્ટ્રેસનો ભોગ ન બની જઈએ તેની સાવચેતી પણ આવશ્યક બની છે.

એક નવા સંશોધનમાં નવા વાયરસની ઝડપ કોવિડ-19ના નવા રૂપના કારણે આવી હોવાનું બહાર આવ્યું છે. ભારતના ગુજરાત સહિતના 10 રાજ્યોમાં કોરોનાના સંક્રમણનું કારણ અમેરિકા અને દક્ષિણ આફ્રિકાના વાયરસ જેવા લક્ષણ ધરાવતા કોરોનાના નવા વર્જનના કારણે રોગચાળો ઝડપથી ફેલાયાનું બહાર આવ્યું છે. અત્યારે જે ઝડપથી વાયરસ ફેલાઈ રહ્યો છે તેની સામે રીકવરી રેટ અને દર્દીઓની સાજા થવાની ટકાવારી પણ વધવા પામી છે. સરકારે જરૂરી એવી તમામ સુવિધાઓ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઈંજેકશનથી લઈ પ્રાણવાયુ અને વેન્ટિલેટરની જરૂરત હોય તેવા દર્દીઓની તમામ જરૂરીયાતો પૂરી કરવાની વ્યવસ્થાની સાથે સાથે નવા કોવિડ સેન્ટરોની રચના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોવિડ ટેસ્ટીંગ સેન્ટરની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. નર્સીંગ કોલેજો અને નર્સીંગ સ્ટાફને પણ કોરોનાની સારવાર માટે કામે લગાડી દેવામાં આવ્યા છે. ઓક્સિજનનો ઔદ્યોગીક ઉદ્યોગ નિયંત્રણમાં લઈ દર્દીને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેવી તકેદારી સાથે રેમેડીસીવીર ઈંજેકશનો કે જે તમામ દર્દીઓ માટે આવશ્યક નથી પરંતુ તબીબોની સુચના મુજબ જે દર્દીઓને રેમેડીસીવીરની જરૂરીયાત હોય તે તમામને મળી જાય તેવી વ્યવસ્થાની જાળવણી માટે ઈંજેકશનના વિતરણની જવાબદારી અને દેખરેખ માટે જિલ્લા કલેકટરોને ખાસ સત્તા આપવામાં આવી છે.

ઈંજેકશનની બિનજરૂરી અછત અને સોશિયલ પેનિક ઉભુ કરવાની જરૂર નથી. કોરોનાથી બચવા માટે કોવિડ ગાઈડ લાઈન, સોશિયલ ડિસ્ટન્સ અને સંક્રમણ ન ફેલાય તે માટેની સાવચેતી ઈલાજથી વધુ અસરકારક છે. લોકોએ અત્યારે નિતી નિયમોનું પાલન અને બહારથી સંક્રમણ ઘર સુધી ન પહોંચે તેની તકેદારી રાખવાની જરૂર છે. અફવાઓથી દૂર રહી સાવચેત રહેવાથી જ આ બીમારીને કાબુમાં લાવી શકાશે તે દરેકને સમજી લેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here