Abtak Media Google News

કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ આઠે અંતિમ શ્વાસ લીધા 

શહેરી વિસ્તાર સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે 

શહેર જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે અને શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. શહેર અને જિલ્લામાં પણ કોરોનાના રોજબરોજ રેકોર્ડબ્રેક આંકડાઓ સામે આવી રહ્યા છે. જિલ્લામાં ગઈકાલે રેકોર્ડબ્રેક 202 કેસ નોંધાયા બાદ વધુ 245 કેસના આંક સાથે નવો રેકોર્ડ થયો છે. શહેરી વિસ્તારની માફક ગ્રામ્ય વિસ્તારમાં પણ ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

શહેરની સમકક્ષ ગામડાઓમાં નોંધાયા કેસ જામનગર જિલ્લામાં 245 કેસ નોંધાયા છે તેમાં 128 કેસ શહેરી વિસ્તારમાં અને 117 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 46 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામા સફળ રહેતા ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 10 દર્દીઓના મોત નિપજ્યા હતા.

શહેરમાં સંક્રમણ વધતા બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય શહેરમાં કોરોના બેકાબૂ બનતા પ્રશાસને શહેરના લાખોટા તળાવ, એમ્યુઝમન્ટ પાર્ક, જામ રણજીતસિંહ પાર્ક અને મહાનગરપાલિકા હસ્તકના તમામ બગીચાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ તમામ બગીચા 9 એપ્રિલથી 20 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. લાખોટા તળાવ પર સવારે લોકો મોર્નિંગ વોક કરી શકે તે માટે 6 થી 9 દરમિયાન ખુલ્લું રહેશે. જો કે, અહીં મોર્નિગ વોક માટે આવતા લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.

જ્યારે જામ રણજીતસિંહ પાર્ક સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તથા જામનગર મહાનગરપાલિકા હસ્તગત આવેલ તમામ બાગ બગીચા સંપૂર્ણપણે બંધ રહેશે. ટાઉનહોલ માત્ર જામનગર મહાનગરપાલિકા અને સરકારી કામકાજ માટે જ વપરાશે.ટેસ્ટ રિપોર્ટ હશે તો જ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં એન્ટ્રીશહેરના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં 45 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ પાસે એન્ટ્રી માટે વેક્સિનેશન લીધા નું સર્ટીફીકેટ સાથે હશે તેને જ એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાયો છે. 45 વર્ષથી નીચેની દરેક વ્યક્તિને એન્ટીજન ટેસ્ટ નું સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે અને જે ટેસ્ટ કરાવ્યા દસ દિવસ સુધી જ માન્ય રહેશે તેને જ કોમ્પલેક્સમાં એન્ટ્રી મળશે તેમ જણાવાયું છે.

હમ નહીં સુધરેંગે… 41 સામે કાર્યવાહી

શહેર-જીલ્લામાં કોરોના સંક્રમણ વધતા પોલીસે પણ અવિરત પેટ્રોલિંગ હાથ ધરી માસ્ક,સોશિયલ ડિસ્ટન્સના ભંગ, નિયતથી વધુ મુસાફરો બેસાડવા વગેરે જાહેરનામાના ભંગ મુદ્દેે વધુ 41 સામે કાર્યવાહી હાથ ધરી હતી. શહેર સહિત જિલ્લાભરમાં જુદા જુદા વિસ્તારમાં પોલીસ ચેકીંગ સધન બનાવવામાં આવ્યુ છે. શહેર સહિત જિલ્લાભરમાં કોરોના સંદર્ભે જાહેરનામુ અમલી બનાવવામાં આવ્યુ છે જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ભંગ ઉપરાંત વાહનોમાં નિયતથી વધુ મુસાફરોને બેસાડવા વગેરે ભંગ મામલે સંબંધિતો સામે પોલીસ દ્રારા ફરિયાદો સહિત દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારો ઉપરાંત ધ્રોલ, જોડીયા, કાલાવડ, જામજોધપુર, સિકકા, લાલપુર, મેઘપર સહિતના જુદા જુદા પંથકમાં જાહેરનામાનો ભંગ કરવા મુદદે 41 લોકો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોરોના સંદર્ભ જરૂરી તકેદારી દાખવવામાં અમુક લોકો હજુ પણ બેદરકારી દાખવી રહયા હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.

રાત્રી કરફયુના અમલથી ખાણીપીણીના રેંકડીના ધંધાર્થીઓને માઠી અસર

સરકાર દ્વારા શહેરમાં કરફયુની જાહેરાત સાથે જ રાત્રીના આઠ વાગ્યાથી ચુસ્ત અમલવારી પોલીસ તંત્ર દ્વારા શરૂ કરી દેવાઇ છે. જેના કારણે તેની સીધી અસર રાત્રીના સમયે ખાણી-પીણીનો ધંધો કરી રોજગારી મેળવતા રેકડીના ધંધાર્થીઓ પર પડી હતી. તેઓએ એવી માંગ કરી છે. લોકડાઉન સમયે નુકશાની પણ હજુ ભરપાઇ નથી થઇ ત્યાં કફર્યુના કારણે ધંધો બંધ કરવાનો વખત આવ્યો છે. જેનું આર્થિક ભારણ નાના ખાણી-પીણીના ધંધાર્થીઓ પર પડયુ છે. શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં રેકડી દ્વારા ખાણીપીણીનો ધંધો કરી રોજગારી મેળવી રહ્યા છે. લોકડાઉન સમયે પણ લાંબા સમય સુધી રોજગારી બંધ રહી હતી. ફરી વ્યવસ્થિત ધંધો-રોજગાર રેડકી ધારકોના શરૂ થયા હતા અને ખાણીપીણીના રેકડીના સ્થળ ઉપર સરકારીની ગાઇડ લાઇનની અમલવારી સાથે ધંધો કરતા હતા ત્યાં ફરી પાછો રાત્રીના આઠ વાગ્યા પછી કફર્યુની જાહેરાત કરાઇ છે. જેને લીધે ખાણીપીણીનો વ્યવસાય મોટાભાગે રાત્રીના આઠ વાગ્યાથી વધતો હોય છે. જયારે સરકાર દ્વારા આઠ વાગ્યથી જ કફર્યુની અમલવારી શરૂ કરાતા ખાણીપીણીના રેકડી ચાલકો ઉપર આભ તુટી પડયું છે. સરકાર દ્વારા ખાણીપીણીના રેકડી ધારકો માટે હાલના કોરોનાના સમયમાં ખાસ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.